કુરબાનીના બકરાઓ ભરીને જતી ગાડીઓને મહારાષ્ટ્રની અથાલ ચેકપોસ્ટ પર અટકાવાતા એમ.આઈ.એમ. મહારાષ્ટ્રના અગ્રણીઓ ત્રણ દિવસથી ધરણા પર ઉતર્યા છે જે પ્રથમ તસવીરમાં નજરે પડે છે. બીજી તસવીરમાં ચેકપોસ્ટ પર અટકાવાયેલ ટ્રકો નજરે પડે છે.

વાપી, તા.૩૦
શનિવારના રોજ ભારતભરમાં ઈદુલ-અઝહાની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે કુરબાની માટે લઈ જવાતા જાનવરો ભરેલ વાહનોને યેનકેન પ્રકારે અટકાવવામાં આવે છે. જેમાં રાજસ્થાનથી મુંબઈ બકરાઓ ભરીને ૧૦૦ જેટલી ટ્રકો ગુજરાતની ભીલાડ બોર્ડર ક્રોસ કર્યા પછી મહારાષ્ટ્રની અથાલ ચેકપોસ્ટ પર અટકાવાતા છેલ્લા ત્રણ દિવસથી ગરીબ પશુપાલકોને તથા વેપારીઓને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.
ત્રણ દિવસથી મહારાષ્ટ્ર એમ.આઈ.એમ. મુંબઈ અધ્યક્ષ તથા માજી એમ.એલ.એ ફૈયાઝ અહેમદ રીઝવાનખાન સહિત કાર્યકરો મહારાષ્ટ્ર તલાસરી અથાલ ચેકપોસ્ટ પર ધરણા પર બેસીને મહારાષ્ટ્ર સરકાર સામે ચંગે ચઢયા છે અને સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે તેઓએ ‘ગુજરાત ટુડે’ના સંવાદદાતાને જણાવ્યું હતું કે, શિવસેના સરકાર સાથે ભાગીદારીમાં બેસેલા કોંગ્રેસ તથા એન.સી.પી.ના મુસ્લિમ નેતાઓ સહિતના કેમ ચૂપ છે ? તેઓએ રાજીનામું આપીને સરકારને જવાબ આપવો જોઈએ. જો યુ.પી.ના મુખ્યમંત્રી ઈદુલ-અઝહાના તહેવાર માટે કુરબાની માટે લઈ જવાતા બકરાના માલિકો, વેપારીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવામાં આવે તેવી સૂચના આપતા હોય તો બિનસાંપ્રદાયિક મહારાષ્ટ્ર સરકાર માટે અમારે શું કહેવું ? મહારાષ્ટ્ર બોર્ડર પર રોકી રાખવામાં આવેલી બકરાઓની ગાડીઓને રક્ષણ તથા ઘાસચારા, પાણીની વ્યવસ્થા, ડ્રાઈવર, ક્લિનરને જમવા તથા કાયદાકીય સહાયતા ભીલાડના સામાજિક કાર્યકર ઈજ્જુ શેખ તથા શેખ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. આ બકરાઓમાંથી કેટલાક બકરાઓ મરી ગયા છે. આ કામમાં ભીલાડના સામાજિક કાર્યકરો તથા અગ્રણીઓ મદદરૂપ થયા હતા. ઈજ્જુ શેખના પરિવાર દ્વારા તમામ બકરાઓની ટ્રકોને પોતાના મેદાનમાં પાર્કિંગ કરાવીને બકરાઓની સાચવણી કરી રહ્યા છે. રાજસ્થાનથી આવેલી તમામ બકરા ભરેલ ગાડીઓ સરકારી જાહેરનામા મુજબ તમામ કાયદાકીય કાર્યવાહી તથા પરમીટ સાથે આવેલી છે. આ તમામ ગાડીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે વલસાડ ડીએસપી સુનિલ જોષી, ડીવાયએસપી જાડેજા તથા ભીલાડ પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સારો સહયોગ આપવામાં આવી રહ્યો છે. અત્રે ખાસ નોંધનીય છે કે સમગ્ર દેશમાં પશુપાલનના ધંધા સાથે જોડાયેલા હિન્દુ-મુસ્લિમ ખેડૂતો, વેપારીઓ તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબો માટે આ વ્યવસાય ખૂબ જ રોજગારી આપે છે. જેનાથી વર્ષભરનું અનાજ, લગ્નપ્રસંગ, મકાન જેવી અનેક જરૂરિયાતો પૂરી થાય છે.
આ અંગે મહારાષ્ટ્ર સરકારે પશુપાલકોને થતાં ભારે નુકસાનથી બચાવી બકરાઓને મહારાષ્ટ્રમાં આપવાની પરવાનગી આપવી જોઈએ.