જૂનાગઢ, તા.૩૧
જમાઅતે ઈસ્લામી હિંદ, ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં “ઈસ્લામ એક ઉપહાર સૌના માટે” અભિયાન મનાવવામાં આવી રહ્યું છે જેનો હેતુ લોકોને ઈસ્લામ ધર્મનો પરિચય કરાવવાનો અને લોકોમાં જે ગેરસમજ ફેલાય છે તેને દૂર કરી ભાઈચારો ફેલાવવાનો છે. આ અંતર્ગત જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં શનિવારના દિવસે નરસિંહ વિદ્યા મંદિર, ગાયત્રી શક્તિપીઠ અને અન્ય જગ્યાઓએ કાર્યક્રમ યોજાયા. જેમાં મહારાષ્ટ્રથી પ્રોફેસર વાજીદઅલી ખાન સાહેબ પધાર્યા હતા. જેમણે આ પ્રોગ્રામોમાં લોકો વચ્ચે ઈસ્લામનો પરિચય કરાવ્યો અને લોકોના જે પ્રશ્નો અને જે મૂંઝવણો હતી તેને દૂર કરવાના પ્રયત્નો કર્યા.
રવિવારના દિવસે પ્રેસિડન્ટ હોલ ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ મૌલાના મહંમદ સમી (મહારાષ્ટ્ર), ડૉ.એમ.એસ. પટ્ટીવાલા (પ્રમુખ, જમાઅતે ઈસ્લામી હિંદ, જૂનાગઢ) અને રેવ શશીકાંત દેસાઈ (પાસ્ટર ઓફ સી.એન.આઈ. ચર્ચ, જૂનાગઢ) પધાર્યા હતા. આ પરિસંવાદમાં અતિથી વિશેષ શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી (મુખ્ય કોઠારી શ્રી મહંત સ્વામી સદ્‌ગુરૂ શાસ્ત્રી, જૂનાગઢ) અમુક કારણોસર ન પધારી શક્યા, પરંતુ તેમણે એક સંદેશો મોકલાવ્યો જેમાં એમણે જમાઅતે ઈસ્લામી હિંદ, ગુજરાતને અભિનંદન પાઠવ્યા અને લખ્યું હતું કે આવો એક સુંદર પ્રોગ્રામ જેમાં મુસ્લિમ સમાજ બીજા ધર્મના વડાઓને બોલાવે છે અને એનું સન્માન કરે છે અને હું આવા કાર્યક્રમમાં ન આવી શક્યો એ બદલ મને અફસોસ છે.”
અધ્યક્ષીય પ્રવચનમાં મૌલાના મોહંમદ સમી સાહેબ જણાવે છે કે, આપણે સૌથ અલ્લાહના બંદા છીએ, એક આદમ અને હવ્વાની સંતાન છીએ. આપણે તેની જ બંદગી કરવી જોઈએ. ઈશ્વરે મનુષ્યની રચના કરીને જીવન કેવી રીતે વ્યતીત કરવું તેના માટે પયગમ્બર (ઈશદૂત) મોકલ્યા. છેલ્લા પયગમ્બર જે હઝરત મુહમ્મદ સલ્લ. છે, તેમના કથનોનું અનુસરણ કરવું દરેક મનુષ્ય માટે લાભદાયક છે.” વધુમાં જણાવતા કહ્યું કે કુર્આન અને પયગમ્બર મોહંમદ સલ્લ. એ ફક્ત મુસલમાનો માટે જ નથી, પરંતુ તે તો સમગ્ર માનવજાત માટે છે.”
પરિસંવાદના અંતિમ ચરણમાં જૂનાગઢ જિલ્લાના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે “જમાઅતે ઈસ્લામી હિંદ તેમજ ઈસ્લામ દર્શન કેન્દ્ર દ્વારા યોજાયેલા આ પરિસંવાદમાં આવીને હું ધન્યતા અનુભવું છું. હિંદુ સમાજના ભાઈઓની સંખ્યા ઓછી હોવી એ અફસોસની વાત છે. આગળ જણાવ્યું કે આ પ્રકારના પ્રોગ્રામ સ્વસ્થ સમાજ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.