ઉમેદવારનું મેળવેલ
નામ મતો
૧. પ્રકાશ ન. શાહ પ૬ર
ર. હર્ષદ ત્રિવેદી પ૩૩
૩. હરિકૃષ્ણ પાઠક ૧૯૭
કુલ મત ૧ર૯ર

અમદાવાદ, તા.૨૩
ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખની દર ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે. આ પરિષદમાં મહાન સાહિત્યકારોએ પ્રમુખ રહી ઘણી બધી સેવાઓ બજાવી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખનો હોદ્દો સાહિત્યની દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કેમ કે ખુદ ગાંધીજી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. તદુપરાંત ઉમાશંકર જોષી સહિતની હસ્તીઓ પણ આ પ્રમુખ પદનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. આજે ગુજરાતી સાહિત્ય પરિષદ વર્ષ ર૦ર૧-ર૩ના પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રકાશ ન. શાહ, હરિકૃષ્ણ પાઠક અને હર્ષદ ત્રિવેદી ઉમેદવારીની રેસમાં હતા. આ મતગણતરીમાં પ્રકાશ ન. શાહ ર૯ મતે વિજયી થતાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ૧મા પ્રમુખ બન્યા છે.
ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કાર પુરૂષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી ઈ.સ. ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે મહાન નવલકથાકાર ગોવર્ધનરામ મા. ત્રિપાઠીની સેવા સાંપડી. ઈ.સ. ૧૯૨૦ સુધી રણજિતરામ પરિષદના ચાલકબળ હતા. ઈ.સ. ૧૯૨૦થી રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને છેક ઈ.સ. ૧૯૨૮ સુધી પ્રાપ્ત થયા. આ સમય દરમ્યાન, ઈ.સ. ૧૯૨૦માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું અતિથિ વિશેષપદ નોંધપાત્ર હતું. ઈ.સ. ૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલું બારમું પરિષદ-સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદથી અવિસ્મરણીય બની રહ્યું.
ઈ.સ. ૧૯૫૫માં ગોવર્ધનરામની જન્મભૂમિમાં અને એમની જન્મશતાબ્દીના વર્ષમાં પરિષદ પુનર્જન્મ પામી હતી. એ પછી સાહિત્ય પરિષદના સભ્યો દ્વારા ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા તેનું સંચાલન થાય છે. ઉમાશંકર જોશી અને યશવંત શુક્લએ સાહિત્ય પરિષદના લોકશાહી સ્વરૂપની માવજતમાં ઊંડો રસ લીધો અને સંસ્થાને આજીવન સેવા આપીને પરિષદનું નૂતન લોકાભિમુખ સ્વરૂપ વિકસાવ્યું હતું. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતી શિક્ષણ અને સંસ્કારની વિશિષ્ટ સંસ્થાઓમાં પરિષદનાં યોજાયેલાં ૨૩ જ્ઞાનસત્રો તેની ફલશ્રુતિ છે. મનુભાઈ પંચોળી-દર્શકે પરિષદ-પ્રમુખ તરીકે સહૃદય દાતાઓના સંપર્કની મોટાપાયે પહેલ કરી અને સાહિત્ય પરિષદના હાલના ‘ગોવર્ધનભવન’ના પાયા નંખાયા હતા. ‘દર્શક’ની જીવનદ્રષ્ટી સાથે સંકળાયેલા રઘુવીર ચૌધરીએ ઈ.સ. ૧૯૭૫થી પરિષદના મંત્રી તરીકે અને પછી ક્રમશઃ ટ્રસ્ટી તથા પ્રમુખ રૂપે સક્રિય રહીને પરિષદ સાથે સતત નિસબત દાખવી છે. પરિષદના મુખપત્ર ‘પરબ’નું સ્વરૂપ બદલાયું અને તે સાહિત્ય સર્જન-વિવેચન અને સંશોધનના ધ્યાનપાત્ર માસિક તરીકે સ્થિર થઈને પ્રતિષ્ઠા પામ્યું. ‘પરબ’ના તંત્રી-સંપાદક તરીકે ભોળાભાઈ પટેલની દીર્ઘકાળ સેવા મળી હતી. સાહિત્ય પરિષદના સદગત ટ્રસ્ટીઓમાં એચ.એમ.પટેલની સક્રિયતાનું સાદર સ્મરણ થાય છે. મહાન સર્જકોના નામે ગુપ્તદાન આપવાની પ્રણાલી બળવંતભાઈ પારેખે આરંભી અને જાળવી. પરિષદ-પ્રમુખો વિનોદ ભટ્ટ અને ધીરૂભાઈ ઠાકરે પરિષદનો આર્થિક ભાર હળવો કર્યો છે; તો નિરંજન ભગતે સાહિત્યનાં વૈશ્વિક ધોરણોની યાદ તાજી રખાવી છે. પરિષદના શતાબ્દી-સંમેલનના પ્રમુખ તરીકે ધીરૂબેન પટેલ જેવા સર્જક અને સાંસ્કૃતિક દાયિત્વ ધરાવતાં મહિલાની વરણી થઈ. એ સમગ્ર ગુજરાતીભાષી પ્રજા માટે આનંદ અને ગૌરવદાયી ઘટના છે. અમદાવાદમાં એનું પહેલું સંમેલન ૧૯૦૫માં યોજાયું હતું. ત્યારથી આજ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક અને ગુજરાતની બહાર કરાંચી, દિલ્હી, કોલકતા, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂના અને કોઈમ્બતુર જેવાં સ્થળોએ પરિષદે પોતાના સંમેલનો યોજીને ગુજરાતને ખૂણે ખૂણે અને ભારતની દિશા-દિશાએ પોતાની ભાવના વિસ્તારી છે. પરિષદ તરફથી લેખકો-ગ્રંથકારોને ઉત્તેજન મળે, ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ થાય અને ઉચ્ચ કોટિનું સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થાય, એ હેતુથી સમાજમાંથી અને હરિ ૐ આશ્રમ જેવી સંસ્થાઓ તરફથી મળેલાં દાન દ્વારા વિવિધ વિષયો અને સાહિત્ય સ્વરૂપલક્ષી પારિતોષિકો, દર બે વર્ષે યોજાતા જ્ઞાનસત્રમાં અપાય છે. આ ગુજરાતી સાહિત્ય પરિષદમાં દર ત્રણ વર્ષે પ્રમુખ પદની ચૂંટણી યોજાય છે. જેમાં વર્ષ ર૦૧પમાં ચંદ્રકાંત ટોપીવાળા અને આ પરિષદમાં પ્રમુખ પદની ચૂંટણીનો સમયગાળો ત્રણ વર્ષ કરાતાં વર્ષ ર૦૧૭માં સિતાંશુ યશચંદ્ર પ્રમુખ રહ્યા હતા. અત્યારે કુલ ૧૩૩૭નું મતદાન થયું હતું. જેમાં ૪પ મત રદ્દ થતાં કુલ ૧ર૯ર મતોની ગણતરી થઈ હતી. જેમાં પ્રકાશ ન. શાહને પ૬ર, હર્ષદ ત્રિવેદીને પ૩૩ અને હરિકૃષ્ણ પાઠકને ૧૯૦ મત મળ્યા હતા. પ્રકાશ ન. શાહ ર૯ મતે વિજયી બન્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રકાશ ન. શાહ પ૧મા પ્રમુખ બન્યા છે. પહેલાંની મતગણતરીની વાત કરીએ તો ચંદ્રકાંત ટોપીવાળા ૪૦૦ અને સિતાંશુ યશચંદ્ર ર૦૧ મતોથી જીત્યા હતા અને આ વર્ષે પ્રકાશ ન. શાહ ર૯ મતે જીત્યા છે. જીતેલા ઉમેદવારના મતના મારઝીનમાં સતત ઘટાડો થતો જાય છે. પ્રકાશ ન. શાહનો વિજય થતાં સાહિત્યકારો, ઉમેદવારો સહિતના સ્ટાફ દ્વારા તેમનો અભિનંદન પાઠવવામાં આવ્યું હતું.