(એજન્સી) કુવૈત સિટી, તા. ૭
કુવૈતની ચૂંટણી સમિતિએ દેશના પાંચ ચંૂંટણી જિલ્લાઓમાં થયેલી ૨૦૨૦ની સંસદીય ચૂંટણીના પરિણામોના ૫૦ વિજેતાઓની ઘોષણા કરી છે. ૫૦ બેઠકો ર થયેલી ચૂંટણીઓમાં ૩૨૬ ઉમેદવારો મેદાનમાં હતા જેના માટે શનિવારે મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયા સવારે આઠ વાગે શરૂ થઇ હતી અને સાંજે આઠ વાગે પૂરી થઇ હતી. અહેવાલ અનુસાર ૫,૬૭,૬૯૪ મતદારો મત આપવા પાત્ર હતા. ચૂંટાયેલા સાંસદો હવે સંસદસભ્ય તરીકે ચાર વર્ષ સુધી પોતાની સેવાઓ આપશે. ચૂંટણીમાં ૩૧ નવા સાંસદો ચૂટાઇને આવ્યા છે જ્યારે ૧૯ સાંસદાઓ પોતાની બેઠકો જાળવી રાખી છે. ચૂંટણીમાં ૨૯ મહિલા ઉમેદવારો પણ હતી પરંતુ એકપણ મહિલા ઉમેદવાર જીતી શકી ન હતી. બીજી ચૂંટણી જિલ્લામાં પોતાની જીતની ઘોષણા બાદ કુવૈતના પૂર્વ સંસદ અધ્યક્ષ મરકૂઝ અલ-ઘનિમે મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મને તમારા પર ગર્વ છે અને તમે મને મોટી જવાબદારી આપી છે. દરમિયાન કુવૈતના પ્રધાનમંત્રી શેખ સબા ખાલિદ અલ-હમદ અલ-સબાહે રવિવારે કુવૈતના બંધારણ અનુસાર ચૂંટણીઓ બાદ પોતાની સરકારમાંથી રાજીનામું અમીર શેખ નવાફ અલ-હમદ અલ-જબર અલ-સબાને સોંપ્યું હતું. આ દરમિયાન નવા અમીરની પસંદગી સાથે જ દેશમાં આર્થિક પડકારોનો સામનો કરવો પડશે. દેશમાં છેલ્લા કેટલાક દશકોમાં આ સૌથી મોટી આર્થિક કટોકટી છે.