(એજન્સી) કોડ્‌સ પ્રેસ,તા.૨૮
યુ.એન. ૨૯ ખાતેના કુવૈતના રાજદૂતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક કાયમી બેઠક આરબ માટે પણ હોવાની માંગણી કરી હતી જેને સંપૂર્ણ અધિકારો હોય. સુરક્ષા પરિષદમાં વિસ્તાર કરવાની વાતો ઘણા સમયથી થઇ રહી છે. અલ-ઓટઈબી યુ.એન.ની સામાન્ય સભાના ૭૫માં સત્રમાં સંબોધન કરી રહ્યા હતા એ દરમિયાન એમણે આ મુજબની ટિપ્પણી કરી હતી. સામાન્ય સભામાં સુરક્ષા પરિષદના સભ્યોમાં વધારો કરવા અને બધાને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા અંગે ચર્ચાઓ થઇ રહી હતી. યુએનમાં સભ્યોની સંખ્યા વધી રહી છે જેના માટે આ જરૂરિયાત ઊભી થઇ છે. કુવૈતી અધિકારીએ કહ્યું કે અમારી માંગણી આરબોની વધી રહેલ વસ્તી, સભ્યોની સંખ્યા અને એમના પ્રતિનિધિત્વની ઉણપને લઇ કરવામાં આવી રહી છે. એમણે વધુમાં કહ્યું કે કાઉન્સિલના એજન્ડામાં મુખ્યત્વે આરબ ક્ષેત્રોના મુદ્દાઓ વધુ પ્રમાણમાં હોય છે જેના લીધે આરબોનું પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ. એમણે એ પણ રજૂઆત કરી હતી કે સુરક્ષા પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વમાં શાંતિની સ્થાપના કરવાનો છે. જે ઉદ્દેશ્ય સંસ્થાના વિસ્તરણ અને પ્રતિનિધિત્વમાં સમતોલન રાખવાથી જ શક્ય બનશે. યુ.એન. સુરક્ષા પરિષદમાં સુધારાનો બીજો ઉદ્દેશ્ય બધા ભૌગોલિક અને ક્ષેત્રીય ગ્રુપોને સરખું પ્રતિનિધિત્વ આપવાનો છે. સુરક્ષા પરિષદમાં સુધારાઓની માંગણી દાયકાઓથી થઇ રહી છે જે એમના સભ્યોના સંબંધો અને એને અપાયેલ સત્તાઓ સાથે સંબંધ ધરાવે છે. હાલમાં સુરક્ષા પરિષદમાં પાંચ કાયમી સભ્યો છે જેમને વીટો પાવર પણ અપાયેલ છે. જેમાં ચીન, ફ્રાંસ, રશિયા, યુકે અને યુએસ છે.