(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર જરેડ કુશનેરે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે કુવૈતનો પેલેસ્ટીનને ટેકો ‘બહુ રચનાત્મક’ નથી. એમણે કહ્યું કે એ હકીકત ખોટી છે કે અમેરિકા કુવૈત અને અન્ય અખાતના દેશો પર દબાણ મૂકી રહ્યો છે કે તેઓ ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરે જે રીતે યુ.એ.ઈ.એ કર્યા છે.
એમણે કહ્યું કે બધા દેશો એ જ કરશે જે એમના હિતમાં હશે. કુવૈતનો ઈતિહાસ પેલેસ્ટીન સાથેના સંબંધો બાબતે ખૂબ જ ચંચળ રહ્યા છે. એમણે કુવૈતના પેલેસ્ટીનીઓની સાથેના સંબંધો યાદ કરતા કહ્યું કે, ૧૯૯૧ના અખાત યુદ્ધ વખતે પેલેસ્ટીને કુવૈત ઉપર ઈરાક દ્વારા કરાયેલ હુમલાને સમર્થન આપ્યું હતું જ્યારે કુવૈતે ૪ લાખથી વધુ પેલેસ્ટીનીઓને દેશમાંથી બહાર જવા આદેશ કર્યો હતો. અને હવે તેઓ પેલેસ્ટીનની પડખે ઊભા રહેવા ઈચ્છે છે. દેખીતી રીતે આ વલણ રચનાત્મક નથી. ટ્રમ્પ કોઈ પણ દેશ ઉપર સંબંધો જાળવવા દબાણ નથી કરી રહ્યા કારણ કે દબાણ દ્વારા કરાયેલ સંબંધો લાંબા ટકતા નથી. ૧૩મી ઓગસ્ટે ટ્રમ્પે ઇઝરાયેલ અને યુ.એ.ઈ. વચ્ચે સંધી કરાવી હતી. યુ.એ.ઈ.એ કહ્યું હતું કે, એમણે ઇઝરાયેલના વધુ પડતા વિસ્તારવાદને અટકાવવા સંધી કરી છે. ઇઝરાયેલની યોજના વેસ્ટબેંક ઉપર કબજો કરવાની છે. જોકે નિષ્ણાંતોનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય કરવાના પ્રયાસો થઇ રહ્યા હતા કારણ કે ઇઝરાયેલના અધિકારીઓ રાજદ્વારી સંબંધો નહિ હોવા છતાંય યુએઈમાં જઈ સંમેલનોમાં ભાગ લેતા હતા. નેત્યાનાહુએ સોમવારે ફરીથી દોહરાવ્યું હતું કે જોડાણ પ્રક્રિયા પડતી મુકાઇ નથી પણ ફક્ત મોકૂફ રખાઈ છે. આ જાહેરાત પછી કુવૈતે કહ્યું હતું કે, એમનું ઇઝરાયેલ તરફના વલણમાં કોઈ પણ ફેરફાર નથી અને ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા માટે એ અખાતનો છેલ્લો દેશ હશે.
Recent Comments