જામનગર, તા.૧૪
કાલાવડના નવાગામમાં આવેલા એક ખેતરમાં માતા-પિતા સાથે મજૂરીકામે ગયેલી એક તરૂણી અકસ્માતે કૂવામાં ખાબક્યા પછી તેણીને બચાવવા અન્ય આદિવાસી યુવાન કૂવામાં કૂદી ગયો હતો. બંને વ્યક્તિના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
કાલાવડ તાલુકાના નવાગામમાં ખેતર ધરાવતા જમનભાઈ રાઘવજીભાઈ સાવલિયાના ખેતરમાં પ્રવિણભાઈ બરજોડ તથા તેમના પત્ની મજૂરીકામે જતા હતા. આદિવાસી શ્રમિક દંપતી સાથે તેમની ૧૫ વર્ષની પુત્રી કાજલ પણ ખેતરે ગઈ હતી, તે દરમ્યાન અકસ્માતે કાજલ ખેતરમાં જ આવેલા કૂવામાં પડી જતાં આ વેળાએ તે ખેતરમાં મજૂરીકામ કરતો નિલેશ મુકેશભાઈ ચારેલ (ઉ.વ.૨૧) નામનો યુવાન તેણીને બચાવવા માટે કૂવામાં ખાબક્યો હતો.
ઉપરોક્ત યુવક તથા કિશોરી કૂવાના પાણીમાં ગરક થયા પછી લાંબા સમય સુધી બહાર ન નીકળતાં ખેતરમાં હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી જેના પગલે નવાગામમાંથી અન્ય વ્યક્તિઓ પણ દોડી આવ્યા હતા. બધાએ લાંબી જહેમતના અંતે કૂવામાંથી કાજલ તથા નિલેશને બહાર કાઢ્યા હતા, તે વેળાએ બંને વ્યક્તિ વધુ પડતું પાણી પી જવાના કારણે બેશુદ્ધ બની ગયા હોય, ખાનગી વાહનમાં કાલાવડના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન કાજલ તથા નિલેશના મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે.