(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૧
થાન રેલવે સ્ટેશન પાસે આવેલ કૂવામાં યુવાન ન્હાવા પડ્યો હતો. જેમાં યુવાને ઉપરથી કૂદકો મારતા કૂવામાં રહેલા પથ્થરો સાથે માથું અથડાતા ગંભીર ઈજાઓ થતા યુવાનનું મોત થયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ થાન કોળી શેરીમાં રહેતા કેતનભાઈ મનસુખભાઈ રાઠોડ રેલવે સ્ટેશન પાસે આવેલા કૂવામાં બપોરના સમયે ન્હાવા ગયા હતા. કૂવામાં પાણીનું સ્તર ઓછું હતું અને કેતનભાઈએ કૂદકો મારતા કૂવામાં રહેલા પથ્થરો સાથે માથું અથડાતા ગંભીર ઈજાઓ થતા કૂવામાં જ તેમનું મોત થયું હતું. આ અંગે આસપાસના સ્થાનિકોએ પોલીસ અને તરવૈયાઓને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને તરવૈયાઓની મદદ લઈ બે કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ અંગે થાન પોલીસે અકસ્માતે મોત અંગે અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે.