(એજન્સી) તા.૧૦
ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) સહિત અનેક ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિવિષયક વટહુકમોને ખેડૂત વિરોધી ગણાવી હરિયાણાના કુરૂક્ષેત્ર જિલ્લામાં પીપલી નજીક આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરી રોષ વ્યકત કર્યો હતો. બીકેયુએ દાવો કર્યો હતો કે પોલીસે આંદોલનને વિખેરવા માટે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. બીજી તરફ કુરૂક્ષેત્રના એસ.પી. આસ્થા મોદીએ કહ્યું હતું કે ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કર્યો હતો અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જ પછી પ્રદર્શનકારી ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ રર પર ધરણા શરૂ કર્યા હતા. જિલ્લા વહીવટીતંત્રે ખેડૂતોને કિસાન બચાવો, મંડી બચાવો’ રેલીમાં ભાગ લેતા રોકવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હોવા છતાં સંખ્યાબંધ ખેડૂતો પીપળી અનાજ માર્કેટ નજીક યોજાયેલી આ રેલીમાં ઉમટી પડયા હતા. ખેડૂત નેતા અક્ષય હથિરાએ મીડિયાને જણાવ્યું હતું કે રાજય સરકાર રેલી પર પ્રતિબંધ મુકી અને ધારા ૧૪૪ લાગુ કરી ખેડૂતોના અવાજને દબાવવા માગે છે. આ દરમ્યાન પોલીસે પીપળી મંડી અને તેના આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે સીલ કરી દીધા હતા. રાજયની ભાજપ સરકારે બીકેયુને કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારીના પગલે રેલીને આગળ વધારવામાં ન આવે. જો કે બીકેયુના હરિયાણા એકમના અધ્યક્ષ ગુરનામસિંઘે કહ્યું હતું કે તેઓ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.
નોંધનીય છે કે હરિયાણા અને પંજાબના ખેડૂતો ફારમર્સ પ્રોડટસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસીલેશન) ઓર્ડિનન્સ ર૦ર૦, ફારમર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોેટેકશન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ ઓર્ડિનન્સ ર૦ર૦ અને એસેન્શય કોમોડિટીસ (અમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ ર૦ર૦ સામે વિરોધ નોંધાવી રહ્યા છે.