‘‘તમે ચર્ચા-વિચારણા વિના જ કાયદા
બનાવી દીધા’’ઃ કિસાનોના આંદોલનને ઉકેલવામાં નિષ્ફળતા બદલ સુપ્રીમે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી ; સોલિસીટર જનરલે વિરોધ કર્યો
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રની મોદી સરકારની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, દિલ્હીની આસપાસ ચાલી રહેલા વિશાળ વિરોધ પ્રદર્શનોના સંદર્ભમાં વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદાઓને સ્થગિત કરવામાં આવે અને સૂચના આપી હતી કે, આની ચર્ચા માટે એક કમિટીની રચના કરો. આ કટોકટીને પહોંચી વળવા માટે સરકારની અસમર્થતા અંગે નિરાશા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે અમને કહો કે, તમે કાયદાઓને સ્થગિત કરશો નહીં તો પછી અમે તેના પર રોક લગાવી દઇશું. અહીં પ્રતિષ્ઠાનો કયો મુદ્દો છે. કોર્ટે કૃષિ કાયદાઓ અંગે થયેલી અરજીઓ અને દિલ્હીની સરહદો પર ચાલી રહેલા આંદોલન અંગે આ આકરી પ્રતિક્રિયા આપી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડેએ સરકારની ઝાટકણી કાઢતી અનેક ટિપ્પણીઓમાં કહ્યું કે, જો કાંઇપણ ખોટું થશે તો આપણામાંથી દરેક જવાબદાર રહેશે. અમે અમાર હાથને ઇજાઓ કે લોહીથી રંગવા માગતા નથી. આ અંગે વધુ સુનાવણી હવે મંગળવારે ૧૨મી જાન્યુઆરીએ થશે.
ખેડૂત નેતાઓ સાથે મંત્રણાને ટાંકતા કેન્દ્ર સરકાર દ્વારા વધુ સમય આપવાની વાત કહેવાતા જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, અમને નથી લાગતું કે, તમે સક્રીય રીતે આ મુદ્દાને ઉકેલી રહ્યા છો. અમે આજે નિર્ણય લેવા જઇ રહ્યા છીએ. જો લોહી વહેશે તો જવાબદાર કોણ હશે ? જ્યારે એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે ઉતાવળમાં ચુકાદો આપવાની સામે સવાલ કરતાં ટોચના જજે કહ્યું કે, સંયમ અંગે અમને ભાષણ આપશો નહીં, અમે તમને બહુ સમય આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, જ્યારે કાયદાઓ લાગુ કર્યા બાદ તેના પર રોક લગાવાશે ત્યારે વિરોધ પ્રદર્શન ચાલુ રહી શકે છે. પરંતુ તમે નક્કી કરો કે, તમે આ જ સ્થળે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની તરફેણમાં છો કે પછી અન્યત્ર ખસેડશો.
આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી કે, જમીની સ્તરે કોઇ સુધારો થયો નથી અને તેને કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે,બધા બાકી રહેલા મુદ્દાઓ અંગે સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે એક સ્વસ્થ ચર્ચા ચાલી રહી છે. આ અંગે મુખ્ય ન્યાયમૂર્તિએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, ગત સુનાવણીમાં અમે પૂછ્યું હતું પરંતુ કોઇ જવાબ આવ્યો ન હતો. સ્થિતિ હવે વધુ ખરાબ થઇ ગઇ છે. લોકો આત્મહત્યા કરી રહ્યા છે. શા માટે મહિલાઓ અને વૃદ્ધો પણ આટલી ઠંડીમાં આંદોલનમાં જોડાઇ રહ્યા છે ? સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કમિટી બનાવવાની અપીલ કરતાં ઉમેર્યું કે, જો સરકાર પોતાની રીતે ના કરી શકતી હોય તો કાયદાઓને સ્થગિત કરી દો અને પછી અમે કહીશું.
સરકાર તરફથી દલીલ કરતાં એટોર્ની જનરલે કહ્યું કે, તમે કમિટી બનાવો પરંતુ કાયદાઓને સ્થગિત ના કરો. તેમણે આ અંગે જુના ચુકાદાઓને ટાંકતા કહ્યું હતું કે, બંધારણીય રીતે પસાર થયેલા કાયદાઓ પર કોર્ટ રોક લગાવી શકે નહીં. વેણુગોપાલે એ દર્શાવવાનો પણ પ્રયાસ કર્યો કે, માત્ર બે કે ત્રણ રાજ્યોના ખેડૂતો જ અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યારે દક્ષિણ અને ઉત્તર ભારતના કિસાનો આ આંદોલનમાં જોડાયા નથી. ઉલ્લેખનીય છે કે, સરકારે કિસાનો સાથે આઠ તબક્કાની મંત્રણાઓ કરી છે અને બધી બેઠકમાં કાયદાઓ રદ કરવાની વાતને ફગાવી છે અને કહ્યું છે કે, તે કાયદાઓમાં સુધારા કરવા માટે તૈયર છે. બીજી તરફ કિસાનોએ કહ્યું કે, તેઓને સરકાર દ્વારા કાયદાઓ રદ કરવા સિવાય કાંઇ ઓછું ખપતું નથી જેમાં તેઓનું માનવું છે કે, તેઓની આવકની ગેરંટી મરી પરવારશે અને કોર્પોરેટ્સને ફાયદો થશે. તેમણે સરકારની એ દલીલ પણ ફગાવી દીધી હતી કે, મધ્યસ્થીઓને દૂર કરવા તથા ખેડૂતોને દેશમાં કોઇપણ સ્થળે માલ વેચવાની પરવાનગીથી લાંબા ગાળે કાયદાઓ કૃષિ ક્ષેત્રમાં મોટા સુધારા લાવશે. સુપ્રીમ કોર્ટ આ અંગે વધુ સુનાવણી મંગળવારે એટલે કે, ૧૨મી જાન્યુઆરીએ કરશે.
Recent Comments