(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના નિશાના પર હવે મુકેેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો પણ આવી છે. દિલ્હીની સરહદો પર અડગ રીતે દેખાવો કરી રહેલા ખેડૂતોએ કેટલાક દિવસ પહેલાં રિલાયન્સ જિયોના સિમકાર્ડ સળગાવીને વિરોધ કર્યો હતો ત્યારે હવે જિયોના ટાવરની વીજળી કાપવામાં આવી રહી છે. પંજાબ અને હરિયાણાના વિવિધ જિલ્લાઓમાં રિલાયન્સ જિયો ટાવરની વીજળીનું કનેક્શન કાપવાના અહેવાલો મળી રહ્યા છે. હરિયાણાના સિરસા સહિત અન્ય અનેક જિલ્લાઓમાં ગ્રામીણો જિયો ટાવરની વીજળી કાપી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. જોકે, આ અંગે હજુ સુધી રિલાયન્સ જિયો તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, કિસાન આંદોલનને કારણે જિયોની મુશ્કેલી વધી ગઇ છે. કેટલાક દિવસ પહેલાં જિયોએ પોતાની પ્રતિસ્પર્ધી કંપનીઓ વોડાફોન આઇડિયા અને એરટેલ પર કિસાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવાયો હતો. આરોપ અનુસાર એરટેલ અને વીઆઇએલ દાવો કરી રહ્યા હતા કે, જિયોના મોબાઇલ નંબરને તેમના નેટવર્કમાં પોર્ટ કરવું એટલે કિસાન આંદોલનને સમર્થન કરવું છે.