ટ્રાન્સપોર્ટ અને ટ્રેડ યુનિયનોના બંધને ટેકાને પગલે અનેક રાજ્યોમાં ફળો અને શાકભાજીનો પુરવઠો ખોરવાઇ શકે, એપ આધારિત કેબ અને ટેક્ષી યુનિયનોએ પણ સમર્થન આપ્યું, બંધને સમર્થન આપવા માટે કોંગ્રેસ સહિતની અનેક રાજકીય પાર્ટીઓ મેદાનમાં
દિલ્હી, પંજાબ અને હરિયાણામાં બંધની માઠી અસર દેખાઇ શકે, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, ત્રિપુરા અને આસામમાં પણ બંધને સજ્જડ પ્રતિસાદ મળવાની સંભાવના

(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
ખેડૂત સંગઠનો દ્વારા મંગળવારે બોલાવાયેલા ભારત બંધને વેપારી સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓનો ટેકો મળતાં વિરોધ પ્રદર્શનના કેન્દ્રબિંદુ બનેલા દિલ્હીમાં ફળો અને શાકભાજી સહિતની કેટલીક સેવાઓનો પુરવઠો ખોરવાઇ શકે છે, જોકે, આ બંધને કારણે દેશભરમાં અનેક સેવાઓ ખોરવાઇ જાય તેવી દહેશત છે. દેખાવો કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેની છઠ્ઠા રાઉન્ડની મંત્રણાના એક દિવસ પહેલા આઠમી ડિસેમ્બરે આપવામાં આવેલા શાંતિપૂર્ણ દેશવ્યાપી બંધનું મુખ્ય કારણ વિવાદાસ્પદ ત્રણ કૃષિ સુધારા કાયદાઓને રદ કરવા માટે સરકાર પર દબાણ વધારવાનું છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, સરકારની કેટલીક નીતિઓને અમે સમર્થન કરતા નથી તે દેખાડવા માટે આ વિરોધ પ્રદર્શન છે. સંગઠનોએ કહ્યું છે કે, આ દેખાવ શાંતિપૂર્ણ છે અને અમે આ જ માર્ગે આગળ વધીશું.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટ્‌સ ફાઉન્ડેશન એક્ઝામિનેશન પેપર-૧ની પરીક્ષાને મંગળવારની જગ્યાએ હવે ૧૩મીએ લેવાની જાહેરાત કરી છે. બહાર પડાયેલા એડમીટ કાર્ડ યોગ્ય ગણાશે. ઉમેદવારોને વેબસાઇટ જોતાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
૨. દિલ્હીમાં ફળો અને શાકભાજીનો પુરવઠો ખોરવાય તેવી શક્યતા છે. એશિયાના સૌથી મોટા હોલસેલ માર્કેટ આઝાદપુર મંડીના ચેરમેન આદિલ એહમદ ખાને કહ્યું હતું કે, ભારત બંધના આહવાનને અમારા મોટાભાગના વેપારીઓનું સમર્થન છે. તેથી ગાઝીપુર, ઓખલા અને નરેલાની મંડીઓને ભારે અસર પડશે.
૩. મહારાષ્ટ્રની વાશી કૃષિ ઉત્પાદન માર્કેટ કમિટી મંગળવારે બંધ રહેશે. આના કારણે મુંબઇમાં ફળો અને શાકભાજીનો પુરવઠા પર અસર પડી શકે છે. બીજી તરફ કેબ, બસો અને ટેક્ષીઓ સામાન્ય રીતે ચાલતી રહેશે. મુંબઇમાં કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.
૪. ભારત બંધને એપ આધારિત સંગઠનો અને ટેક્ષી યુનિયનોએ સમર્થન આપવાને કારણે દિલ્હી અને તમિલનાડુમાં અનેક લોકોને મુશ્કેલી પડે તેવી શક્યતા છે. યુનિયનોએ જણાવ્યું છે કે, ઓટો અને અન્ય વાહનો ચાલુ રહેશે. સરકારે કહ્યું છે કે, બંધ દરમિયાન લોકો પોતાના સ્થળે સરળતાથી જઇ શકે તેની વ્યવસ્થા કરાઇ છે.
૫. ખેડૂતોને સમર્થન દેખાડવા માટે કેટલાકબેન્ક યુનિયનોએ પણ બંધને ટેકો આપ્યો છે પરંતુ આના કારણે બેન્કિંગ સેવાઓને અસર થશે નહીં.
૬. ખેડૂતોના સમર્થનમાં તમામ મોટર ટ્રાન્સપોર્ટ યુનિયનો હોવાથી પુરવઠા પહોંચાડતા ટ્રકોની અવર જવરને માઠી અસર પહોંચી શકે છે. તેઓ શાંતિપૂર્ણ દેખાવો પણ કરશે અને સમાધાનથી તથા ખેડૂતોને સંતોષ થાય તે રીતે મુદ્દાને ઉકેલવા માટે જિલ્લા કલેક્ટરો અને કમિશનરોને આવેદન પત્ર આપશે.
૭. ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ હરિંદર સિંહ લાખોવાલે તાજેતરમાં જ કહ્યું હતું કે, ખેડૂત યુનિયનોના સભ્યો રાષ્ટ્રીય ધોરીમાર્ગો બ્લોક કરશે અન ટોલપ્લાઝા પર કબજો જમાવશે.
૮. ખેડૂતોએ લોકોને શાંતિપૂર્ણ તથા અહિંસક સમર્થન આપવા હાકલ કરી છે અને સામાન્ય લોકોને મુશ્કેલી ના થાય તેનું ધ્યાન રાખવા માટે તાકીદ કરી છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, મંગળવારે ભારત બંધ સવારે ૧૧થી બપોરે ૩ વાગ્યા સુધી રહેશે. આ સાંકેતિક વિરોધ પ્રદર્શન છે. અમે સવારે ૧૧ વાગે ભારત બંધ જાહેર કરીશું જેથી દરેક લોકો ઓફિસે પહોંચી જાય. એમ્બ્યુલન્સ અને લગ્નોની સેવાઓ ચાલુ રહી શકે છે. લોકો તેમના આઇકાર્ડ બતાવે અને જઇ શકે છે.
૯. પંજાબમાં બંધને સજ્જડ પ્રતિસાદ મળે તેવી સંભાવના છે કારણે કે અહીં તેને સંપૂર્ણ સમર્થન છે. દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ત્રિપુરા તથા આસામ જેવા ઉત્તરના રાજ્યોમાંથી પણ ખેડૂતોને સમર્થન કરતી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ધરણા કરવામાં આવી શકે છે. આના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ શકે છે અને રાજ્યો દ્વારા દિશાનિર્દેશ બહાર પાડવા પડી શકે છે. ગુજરાતે કહ્યું છે કે, તે બંધના વિરોધમાં છે અને દુકાનો તથા ઓફિસો બંધ કરાવનારા સામે પગલાં લેવાશે.
૧૦. દિલ્હી પોલીસ અનુસાર સિંઘુ, ઔચાંડી, પિયો મનિયારી,મંગેશ સરહદો બંધ છે. નેશનલ હાઇવે-૪૪ બંને તરફથી બંધ છે. નોઇડાથી દિલ્હી તરફ જતો ચિલ્લા સરહદ પર આવેલો નોઇડા લિંક રોડ બંધ છે. ગાઝિયાબાદથી દિલ્હી જતો નેશનલ હાઇવે-૨૪ ટ્રાફિક માટે બંધ છે. આઉટર રિંગ રોડ અને જીટી કર્નાલ રોડને ટાળો.