(એજન્સી) તા.૧૩
ઉદારીકરણ પશ્ચાત યુગમાં પ્રથમ કિસાન ચળવળ કોર્પોરેટ કંપનીઓ વિરોધી તરીકે જોવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં નવા ઘડવામાં આવેલા કૃષિ કાયદા સામે ઉગ્ર વિરોધ દેખાવોએ પંજાબમાં હવે અંબાણી વિરોધી અને અદાણી વિરોધી વળાંક લીધો છે.
૩૧ કિસાન સંગઠનોની બનેલી સમિતિના વડપણ હેઠળ ખેડૂતોએ ઘણા સ્થળોએ રિલાયન્સના પેટ્રોલ પંપ કબજે લઇ લીધાં છે અને જીઓ વિરુદ્ધ બહિષ્કાર ચળવળ શરૂ થઇ ગઇ છે અને અદાણીના સંગ્રહ કન્ટેનર્સને મોગામાં ઓપરેશન બંધ કરી દેવાની ફરજ પાડવામાં આવી છે. દેખાવકાર ખેડૂતોએ મુલાનપુર, બર્નાલા અને લુધિયાણા જેવા સ્થળોએ રિલાયન્સના પેટ્રોલ પંપ પર વસ્તુતઃ કબજો જમાવી દીધો છે.
ગત સપ્તાહે લુધિયાણામાં જ રિલાયન્સ દ્વારા સંચાલિત સુપર સ્ટોરનો પણ ખેડૂતોએ કબજો લઇ લીધો હતો. સાંગરુરમાં ખેડૂતોએ ટોલ પ્લાઝાનો હવાલો લઇ લીધો છે અને છેલ્લા કેટલાય દિવસથી વિરોધમાં બેઠા છે. મુકેશ અંબાણી વિરુદ્ધ જુવાળ જોઇને કર્મચારીઓએ જાતે જ સુવિધાઓ બંધ કરી દીધી છે અને વિરોધમાં જોડાયાં હતાં. કેટલાક સ્થળોએ ખેડૂતોએ રિલાયન્સના પેટ્રેાલપંપનો બહિષ્કાર કરવા આદેશ કર્યો છે એવું જણાવીને ખેડૂતના એક નેતાએ ઉમેર્યુ હતું કે દોઆબા જિલ્લામાં રિલાયન્સ પેટ્રેાલપંપ કબજે કરવા અને જીઓનો બહિષ્કાર કરવો એ વિરોધનું એક નવું સ્વરૂપ બની ગયું છે. આંદોલનકારી ખેડૂતોએ દેવીદાસપુરા ગામ નજીક જીઓ સિમ્સને સળગાવી નાખ્યાં હતાં અને ગત સપ્તાહે રેલવે ટ્રેકને પણ બ્લોક કર્યો હતો. ભારતીય કિસાન સંઘના મહામંત્રી જગમોહનસિંહ પતિયાલાએ જણાવ્યું હતું કે અમારૂં એવું માનવું છે કે કૃષિ ક્ષેત્રમાં રિલાયન્સના પ્રવેશ માટે માર્ગ મોકળો કરવા કૃષિ કાયદાઓ ઘડવામાં આવ્યાં છે. તેનું કારણ એ છે કે આ એક માત્ર એવો બિઝનેસ છે જેને કદી ખોટ થશે નહીં કારણ કે દરેકને આહાર, ફળો અને શાકભાજી જરૂરી છે. કૃષિ અને ખેડૂતોનું કોર્પોરેટીકરણ કરવાનો વિરોધ હેઠળ રિલાયન્સનો બહિષ્કાર ચાલુ રહેશે. જે એસ પતિયાલાએ જણાવ્યું હતું કે અમે ૧૪ ઓક્ટો.ના રોજ મળીશું અને ભાવિ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે એવું જણાવીને જે એસ પટીયાલાએ ઉમેર્યુ હતું કે ખેડૂતોનું સંગઠન રેલવેને કેટલીક રાહત આપશે. ગૌતમ અદાણી પણ પંજાબમાં ખેડૂતોના રોષનો સામનો કરી રહ્યાં છે.