અમદાવાદ,તા. ૨૦
રાજયના નાણાંમંત્રી નીતિન પટેલે વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં રાજયના ખેડૂતો અને ગ્રામીણ પ્રજાના હિતને ખાસ ધ્યાનમાં લઇને કૃષિ અને ગ્રામીણ વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું. નાણાંમંત્રીએ કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ માટે કુલ રૂ.૬૭૫૫ કરોડની ખાસ પ્રકારે જોગવાઇ કરી છે. જેમાં કૃષિ ક્ષેત્રના જોખમોને પહોંચી વળવા અને ખેડૂતોને પાક વીમાની રકમ સહિતના કામો માટે રૂ.૧૧૦૧ કરોડની ફાળવણી કરાઇ છે. તો, ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે રૂ.૫૦૦ કરોડનું ધિરાણ અપાશે. નાણાંમંત્રીએ રજૂ કરેલા બજેટમાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારની પ્રજાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે અને તેથી જ બજેટમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગમાં કરેલી મહત્વની જોગવાઇઓમાં, કૃષિ યાંત્રિકીકરણ માટે રૂ.૨૯૫ કરોડ, કૃષિ વિકાસ માટે રૂ.૩૯૫ કરોડ, કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે રૂ.૭૦૨ કરોડ, જમીન જળ સંરક્ષણ તેમ જ જમીન સુધારણા માટે રૂ.૫૪૮ કરોડની જોગવાઇ કરાઇ છે. આ સિવાય ખેડૂતોને પાક અને ખેતરની સુરક્ષા માટે ખેતરમાં તારની વાડ માટે રૂ.૨૦૦ કરોડની ફાળવણી પણ કરાઇ છે. દરમ્યાન કોલ્ડ સ્ટોરેજની સંગ્રહક્ષમતા ૨૩ લાખ મેટ્રિક ટનથી વધારીને વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૦ લાખ મેટ્રિક ટન કરવાનું સરકારે આયોજન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે ઓપરેશન ગ્રાીનલાઇન હેઠળ શાકભાજી અને ફળો માટે પ્રાયમરી અને એડવાન્સ પ્રોસેસીંગ સુવિધા માટે ફેડરેશનની સ્થાપના કરવા માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત, મત્સ્યોદ્યોગ નિકસ રૂ.૩૫૦૦ કરોડથી વધુ હુંડિયામણ છે ત્યારે મત્સ્ય બંદર વિકાસ માટે રૂ.૨૮૦ કરોડ, વેરામાફી માટે રૂ.૧૦૨ કરોડ, સહકાર ક્ષેત્રે કોર બેન્કીંગ માટે રૂ.૭૦ કરોડ, કિસાન કલ્પવૃક્ષ યોજના માટે રૂ.૨૫ કરોડની જોગવાઇ કરી છે. આ જ પ્રકારે પશુપાલન ડેરીવિકાસ માટે બે નવી વેટરનરી કોલેજ માટે રૂ.૨૩ કરોડ, તો તમામ જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સ માટે રૂ.૨૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ ૩૯૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકરણ માટે ૨૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ૨૯૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાય અને ૩૨૦૦૦ ખેડૂતોને કૃષિ યાંત્રિકરણના વિવિધ ઓજારોની ખરીદી માટે સહાય આપવામાં આવશે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના, ખેડૂત અકસ્માત વિમા, ભાવ સ્થિરીકરણ જેવા કૃષિ ક્ષેત્રના જોખમોને પહોંચી વળવા ૧૧૦૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીની નીતિ હેઠળ મગફળી અને કપાસ જેવા વિવિધ પાકોમાં સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ટામેટા, ડુંગળી, અને બટાકાના ભાવ નીચા જાય તેવા કિસ્સામાં ખેડૂતોના હિતમાં સબસિડી આપવામાં આવે છે જે સરકારના ખેડૂતલક્ષી અભિગમને પૂરવાર કરે છે.