કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આગામી બજેટ સત્રમાં કેન્દ્રના ત્રણેય કાળા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પ્રહાર કરવાના ઉદ્દેશ્ય સાથે ચર્ચા કરવા માટે વિપક્ષના નેતાઓ સાથે સંયુક્ત નીતિ ઘડવા મામલે ચર્ચા કરી હતી. સોમવારે સૂત્રોએ આ માહિતી આપી હતી. જો કે, ચાલુ મહિને જ સંસદનું સત્ર શરૂં થાય તે પહેલાં પણ વિપક્ષના નેતાઓ વધુ એક બેઠક કરવાના છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા કૃષિ બિલ અંગે કરવામાં આવી રહેલા દેખાવો મામલે ખેડૂતોને પૂરેપૂરૂં સમર્થન આપવામાં આવી રહ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે, આગામી ૧૫ જાન્યુઆરીએ કોંગ્રેસના કાર્યકરો દેશભરમાં રાજ્યપાલના ઘરની બહાર દેખાવો કરશે. કોંગ્રેસ આ દિવસને કિસાન અધિકાર દિવસ તરીકે મનાવશે. પાર્ટીએ વધુમાં નક્કી કર્યું છે કે, અમે અમારા જેવી વિચારધારા પક્ષોને પણ અમારી સાથે સાંકળીશું અને આગામી સંસદના બજેટ સત્ર દરમિયાન ત્રણેય કૃષિ કાયદાઓ મુદ્દે ચર્ચા કરીશું. કોંગ્રેસ શાસિત પંજાબ અને રાજસ્થાન કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરતા કાયદા પસાર કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે ૨૬ નવેમ્બરથી દિલ્હીની સરહદે દેશના જુદા-જુદા રાજ્યોના ખેડૂતો એકજૂટ થઈને કેન્દ્રની મોદી સરકાર દ્વારા બળજબરીપૂર્વક થોપવામાં આવેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. તેઓ આ ત્રણેય કાળા કાયદાને રદ્દ કરવાની માંગ પર અડગ છે.