(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
દેખાવકારી કિસાનો અને સરકાર વચ્ચેની મડાગાંઠના ઉકેલનો કોઇ અંત ના આવતાં આખરે ભાજપે છેલ્લા ૧૬ દિવસથી ખેડૂતોના આંદોલનનું કેન્દ્ર બનેલા વિવાદિત કૃષિ કાયદાઓને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં મોટું અભિયાન ચલાવવાની યોજના ઘડી કાઢી છે. આગામી કેટલાક દિવસોમાં જ સત્તાધારી પાર્ટી દ્વારા મોટાપાયે અભિયાન ચલાવવા ૭૦૦થી વધુ પત્રકાર પરિષદ અને દેશમાં ૧૦૦ ખેડૂતોની બેઠકોનું આયોજન કરાશે. ભાજપના સૂત્રોએ કહ્યું છે કે, આ અભિયાનમાં કેન્દ્રીય મંત્રીઓ પણ ભાગ લેશે. સૂત્રોએ ઉમેર્યું કે, આ અભિયાન દરમિયાન કૃષિ કાયદાઓ મુદ્દે ખેડૂતોના મુદ્દાઓને પણ દર્શાવાશે. ભાજપ કૃષિ કાયદાઓ વિશે લોકોના પ્રશ્નો અને ચિંતાઓનો પણ જવાબ આપશે.
ખેડૂત નેતાઓએ કૃષિ કાયદાઓમાં કેન્દ્ર દ્વારા લેખિતમાં દર્શાવેલા સુધારાને પણ બુધવારે ફગાવી દીધા હતા અને વિરોધ પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવવાની એકપછી એક યોજનાઓ જાહેર કરી હતી. બીજા દિવસે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને પ્રસ્તાવ પર વિચારણા કરવા આગ્રહ કર્યો હતો અને કહ્યુ હતું કે, તેમની સાથે વધુ ચર્ચા માટે તેઓ તૈયાર છે. તોમરે વધુમાં કહ્યું કે, સરકાર ખુલ્લા મને વિચારણા કરવા તૈયાર છે અને તેમની ચિંતાઓ અંગે સ્પષ્ટતા કરવા અને જોગવાઇઓમાં બદલાવ કરવાની તૈયારી પણ દર્શાવે છે. કૃષિ કાયદાઓ વિરૂદ્ધ બે અઠવાડિયા પહેલાં દેખાવો શરૂ કરનારા હજારો ખેડૂતોએ વોટર કેનન, લાઠીચાર્જ અને ટિયરગેસના મારાનો સામનો કરતાં દિલ્હીની સરહદો પર પહોંચ્યા હતા અને સરકાર દ્વારા એમએસપી સમાપ્ત કરવા તથા તેમને કોર્પોરેટ જગતની દયા પર છોડી દેવા સામે વિરોધનો વંટોળ ઊભો કર્યો છે. દેખાવો શરૂ થયાત્યારથી અત્યાર સુધી પાંચ ખેડૂતો મોતને ભેટ્યા છે.