(એજન્સી)              તા.૨૦

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને સાવધાન રહેવા અને તેમના પાક માટે વાજબી ભાવો નહીં મળે એવી ગેરમાહિતીથી ભ્રમિત નહીં થવા અપીલ કરી હતી. છેલ્લા કેટલાક સપ્તાહોથી હરીયાણા અને પંજાબમાં મુખ્યત્વે ખેડૂતો આ વર્ષે મે મહિનામાં જારી કરાયેલ અને ભાજપના સાથી શિરોમણી અકાલિદળ સહિતના કેટલાય રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે મંગળવારે લોકસભામાં બહાલી અપાયેલ આ ત્રણ કૃષિ સંબંધિત વટહુકમોનો વિરોધ કરી રહ્યાં છે. એક બાજુ ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે તો બીજી બાજુ મોદી એવું જણાવે છે કે ખેડૂતોને ભ્રમીત કરવા માટે ગેરમાર્ગે દોરતી માહિતી આપવામાં આવી રહી છે. આખરે સત્ય શું છે ? ખેડૂતોને દહેશત છે કે તેમનું લઘુત્તમ સમર્થન મૂલ્ય તંત્ર સમાપ્ત થઇ જશે અને તેથી તેને કાનૂની અધિકાર તરીકે માગણી કરી રહ્યાં છે. ત્રણ કૃષિ વિધેયકને ખેડૂત વિરોધી ગણાવીને કેન્દ્રીય પ્રધાન અને શિરોમણી અકાલિદળના નેતા હરસીમરત કૌરે સૌના આશ્ચર્ય વચ્ચે પોતાનું રાજીનામુ આપી દીધું હતું. ખેડૂતોને આ ત્રણ વિધેયકો સામે મુખ્ય વિરોધ એ છે કે એપીએમસી પડી ભાંગશે તો ખાનગી ઓપરેટરો, વેપારીઓ અને કમિશન એજન્ટો મરજી મુજબ ભાવ નક્કી કરશે. એપીએમસીની બહાર ખાનગી બજારો ઊભા થવાથી એપીએમસીને ખરીદદાર મળશે નહીં એવી દહેશત ખેડૂતો અને તેમના નેતાઓને છે. બીજો ડર એ છે કે નવો કાયદો લઘુત્તમ સમર્થન મૂલ્ય હેઠળ ખરીદીના જથ્થામાં ઘટાડા માટે માર્ગ મોકળો થશે. જ્યારે કેન્દ્રે ખેડૂતોને એવી ખાતરી આપી છે કે લઘુત્તમ સમર્થન મૂલ્ય સિસ્ટમ ચાલી રહેશે. પંજાબ અને હરિયાણામાં આ મામલે વાચાળ ઉગ્ર વિરોધ થવાનું એક મુખ્ય કારણ છે કે કિસાન સંઘો અને સંગઠનોનું સુયોજિત સ્વરુપ જોવા મળે છે. આ ઉપરાંત બીજુ મહત્વનું પરિબળ એ છે કે આ બંને રાજ્યોમાં લઘુત્તમ સમર્થન મૂલ્ય પર સરકારની ખરીદી વધુ મજબૂત છે. પંજાબ અને હરિયાણામાં બજારમાં વેચાતાં ઘઉ અને ડાંગરની ૮૫થી ૯૦ ટકા વચ્ચેની ખરીદી સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. આથી ખેડૂતોની માગણી છે કે આ વિધેયકમાં લઘુત્તમ સમર્થન મૂલ્યને કાનૂની અધિકાર આપવામાં આવે છે એવી જોગવાઇ ઉમેરવામાં આવે. જો કે સરકારે હજુ સુધી ખેડૂત સંઘોની આ માગણીને પ્રતિસાદ આપ્યો નથી.