પોલીસ આવું કઈ રીતે કરી શકે ? શું શાકભાજી એ આવશ્યક ચીજ-વસ્તુ નથી ? વાસ્તવમાં RSSના કાર્યકરોની પોલીસ ખાતા દ્વારા ભરતી કરી દેવામાં આવી છે અને કદાચ તેથી આવા પોલીસવાળાઓ આ પ્રકારના કૃત્યો તેમના “ભગવાન” મોદીના હુકમનું પાલન કરનારા તમામ વિરૂદ્ધ આવી નિર્દયી કાર્યવાહી કરે છે. આ અમદાવાદના નિકોલ વિસ્તારની તસવીર છે. જ્યાં નિકોલ પોલીસે દાદાગીરી કરી ગરીબ શાકભાજીવાળાઓની લારીઓ ઊંધી પાડી દીધી હતી.

અમદાવાદ, તા.૩૧
લૉકડાઉનમાં રાજ્યભરની પોલીસ સેવા આપી રહી છે. લોકોને નિયમોનો ચુસ્ત અમલ પણ કરાવી જ રહી છે. સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને જમવાથી માંડી અનેક સેવાઓ પૂરી પાડી રહી છે. પણ આ સેવાઓ પર પોલીસખાતાના એક જ અધિકારીએ પાણી ફેરવી દીધું છે ! કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. ચૌધરીએ શાકભાજી લારી વાળાઓએ નિયમો ન પાળતા દંડાવાળી કરી લારીઓ ઊંધી વાળી દીધી હતી. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા બાદ પીઆઈને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યા છે. બન્યું એમ હતું કે, કૃષ્ણનગરના ઉત્તમનગર કેનાલ પાસે પોલીસ કાર્યવાહી કરી રહી હતી. લોકો લૉકડાઉનને લઈને ઘરમાં જ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ સમયે શાકભાજીની લારીઓ ઉભી હતી. અગાઉ અનેકવાર થોડી જગ્યા રાખીને ઊભા રહેવાનું કહ્યું હોવા છતાંય આ લોકો નજીકમાં ઊભા હતા. સૂચનાઓનું પાલન ન કરતા આ શાકભાજીની લારીઓ પર પોલીસે દંડા પછાડ્યા હતા. પોલીસે લારીવાળાઓને દોડાવીને ત્યાંથી ભગાડી મૂક્યા હતા. આટલે સુધી ઠીક હતું પરંતુ પોલીસે શાકભાજી અને ફ્રૂટની લારીઓ રસ્તા પર જ ઊંધી વાળી દઈને આતંક મચાવ્યો હતો. એક સ્થાનિક વ્યક્તિએ ફ્લેટમાં બાલ્કનીમાંથી આ ઘટના કેમેરામાં કંડારી લીધી હતી. આ અંગે પીઆઈ વિષ્ણુ ચૌધરીનું કહેવું છે કે, ‘શાકભાજીની લારી ઊભી રાખવા માટે પોલીસે સફેદ રંગના બોક્સ તૈયાર કરાવ્યા હતા. પરંતુ લોકો એક મીટરના અંતરે ઊભા રહેતા ન હતા. સાંજના સમયે પેટ્રોલિંગ દરમિયાન ટોળામાં એકઠા ન થવા જણાવ્યું હતું. લારીઓ ઊંધી વાળી દેવાનો કોઈ ઈરાદો ન હતા. પરંતુ ગેરસમજનો ફાયદો ઉઠાવીને અન્ય લોકોએ વીડિયો વાયરલ કર્યો છે. વારંવાર શાકભાજીની લારીઓ ભેગી થતા કાર્યવાહી કરી છે. સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના લીધે પોલીસની છબી ખરડાતા પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ગંભીર નોંધ લઈ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે ઘટના અંગે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ કૃષ્ણનગરના પીઆઈ વી.આર. ચૌધરીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. જેને પગલે પોલીસ કમિશનર ભાટિયાએ પીઆઈ ચૌધરીને સસ્પેન્ડ કર્યા હતા. જોકે, ગઈકાલે જ ડીજીપીએ પોલીસને સંવેદનશીલતાથી વર્તી લોકોને વધુમાં વધુ મદદ થાય તે રીતે ફરજ નિભાવવાની સૂચના આપી હતી. પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી હોય તેમ કૃષ્ણનગરના પીઆઈએ શાકભાજીની લારીવાળા ફેરિયાઓ સાથે ગેરવર્તણૂક કરતા તેમને સસ્પેન્ડ કરાયા છે.