નવી દિલ્હી,તા.ર૧
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષીય કિશોરીના ગેંગરેપ બાદ હત્યા પર વિશ્વભરમાં દેખાવો અને આક્રોશ ફાટી નીકળતા કેન્દ્રની ભયભીત મોદી સરકારે શુક્રવારે આખરે બાળ બળાત્કાર માટે મૃત્યુ દંડની સજાનો વટહુકમ લાવવા સંમત થઈ હતી. દિલ્હીના મહિલા સમિતિના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ, નાના બાળકો પર થતા બળાત્કારના કેસમાં મૃત્યુદંડની માગણી સાથે લાંબા સમયથી અનિશ્ચિત ઉપવાસ પર ઉતર્યા હતા કેન્દ્ર સરકારે માલીવાલની લાંબી લડતની માગણીનો સ્વીકાર કરી બાળરેપ કેસમાં મૃત્યુદંડનો વટહુકમ લાવવા નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારના વટહુકમના નિર્ણય બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માલીવાલને અભિનંદન આપ્યા હતા અને ઉપવાસ પુરા કરવા કહ્યું હતું. કેજરીવાલે ટવીટમાં કહ્યું હતું કે સ્વાતિ માલીવાલને અભિનંદન તમે હવે ઝડપથી ઉપવાસ છોડો હવે આપણા કાયદાના અસરકારક અમલ માટે કાર્ય કરીશું અને બાકીની માંગ તરફ આગળ વધીશું. કેજરીવાલની ટવીટના જવાબમાં ભાગરૂપ માલીવાલે જણાવ્યું હતું કે, ભૂખ હડતાળનો અંત લાવવા કેજરીવાલની વિનંતીનો તેઓ આદર કરે છે પરંતુ તેણી પોતાના ઉપવાસ જલ્દી છોડશે નહીં. ઉલ્લેખનીય છે કે ૩૩ વર્ષીય માલીવાલ કઠુઆ, ઉન્નાવમાં બનેલ રેપના વિરૂધ્ધ દેખાવના ભાગરૂપ રાજઘાટ ખાતે છેલ્લા અઠવાડિયાથી અનિશ્ચિત ઉપવાસ પર ઉતાર્યા હતા અને દોષિત બળાત્કારીઓ માટે કડક તાત્કાલિક કાયદાની માંગ કરી હતી.