(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની સાથે થયેલી કથિત મારઝૂડ બાદ અટકળો હતી કે મુખ્યમંત્રી કેજરીવાલ અને મુખ્ય સચિવ મંગળવારના બજેટ સત્રને ધ્યાનમાં રાખીને આયોજિત થનારી બેઠકમાં મળી શકે છે. જોકે મુખ્ય સચિવે એક પત્રના માધ્યમ દ્વારા કેજરીવાલ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે હું કેજરીવાલને મળવા તૈયાર છું પરંતુ મારી એક શરત છે કે કેજરીવાલ ખાતરી રાખે કે બેઠકમાં સામેલ થનાર અધિકારીઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો નહીં થાય. દિલ્હી મુખ્ય સચિવ અંશુ પ્રકાશે મંગળવારે બજેટ સત્ર પર મંત્રીપરીષદની બેઠક અંગે પત્ર લખ્યો હતો, કેજરીવાલ સુનિશ્ચિત કરે કે અધિકારી પર કોઈ પણ પ્રકારનો હુમલો નહીં થાય તો જ તેઓ બેઠકમાં હાજર રહેશે. તાજેતરની ઘટના બાદ મુખ્ય સચિવ બેઠકમાં ભાગ લેશે તેવી પણ અટકળો વહેતી થી હતી. એવી પણ ચર્ચા હતી કે બેઠકમાં નાણા સચિવ અને ઘણા સીનિયર અધિકારીઓ હાજર રહેવાના છે. એવી પણ ખબર મળી હતી કે મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર થયેલા હુમલા અંગે અધિકારીઓ સાથે ચાલી રહેલા વાદ-વિવાદની વચ્ચે દિલ્હી સરકાર અધિકારીઓ સાથેની તેની બેઠક પર લાઈવ ટેલિકાસ્ટ અંગે વિચારણા કરી રહી છે. એક વેબસાઈટ પર આ બેઠકોના જીવંત પ્રસારણ અંગે કામ ચાલી રહ્યું છે. તે ઉપરાંત ફાઈલો પર મંત્રીઓ અને અધિકારીઓની નોટિંગને પણ ઓનલાઈન કરવાની વિચારણા છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા ગતિરોધને દૂર કરવાના પ્રસ્તાવને નકારતાં અધિકારીઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને લેખિતમા માફી પર મક્કમ છે. દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર ૧૬ માર્ચથી ૨૮ માર્ચ સુધી યોજાઈ રહ્યું છે.