દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફ્રેન્સ કરી રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને વાત કરી હતી.આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે એક એપ લોન્ચ કરાઈ રહી છે. જે જણાવશે કે દિલ્હીની કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે. જેનાથી કોરોનાના દર્દીઓએ સારવારને લઈને રખડવું ન પડે. તેમણે લોકોને કોરોનાને લઈને ચિંતા ન કરવાનું પણ કહ્યું હતું. આ એપનું નામ દિલ્હી કોરોના છે.
એપ લોન્ચ કરતા તેમણે કહ્યું કે, આ એપ જણાવશે કે દિલ્હીમાં પ્રાઈવેટ કે સરકારી કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે. હાલ દિલ્હીમાં ૩૦૨ વેન્ટિલેટર છે. જેમા ૨૧૦ ખાલી છે. એપને દિવસમાં બે વાર અપડેટ કરાશે. સવારે ૧૦ વાગ્યે અને સાંજે છ વાગ્યે. એપનું નામ દિલ્હી કોરોના છે. તેમણે વધુમાં કહ્યું હતું કે બેડની જાણકારી www.delhifightscorona.in/beds વેબસાઈટ ઉપર પણ મળશે. આ ઉપરાંત ૧૦૩૧ નંબરની હેલ્પલાઈન ઉપર ફોન કરવાથી જીસ્જી દ્વારા જાણકારી મોકલવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ હોસ્પિટલ બેડ ખાલી હોવા છતા દર્દીને દાખલ ન કરે તો તમે ૧૦૩૧ ઉપર ફોન કરી શકો છો. સ્વાસ્થ્ય અધિકારીઓ તમને તરતજ બેડ અપાવશે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ અમે એટલી વ્યવસ્થા પણ કરી છે. જો તમારા ઘરમાં કોઈ બીમાર થાય છે, તો તેમના માટે બેડ, ઓક્સિજન અને ICUની વ્યવસ્થા છે. આજે ૬ હજાર ૭૩૧ બેડ છે, દિલ્હીની હોસ્પિટલમાં ૨૬૦૦ દર્દીઓ છે, લગભગ ૪૧૦૦ બેડ ખાલી છે.