(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
અરવિંદ કેજરીવાલે મજીઠિયાની માફી માંગ્યા બાદ તરત જ આમ આદમી પાર્ટી પંજાબ પ્રદેશના પ્રમુખ તરીકે સાંસદ ભગવંત માને રાજીનામું આપ્યું છે. બીજી તરફ આપના ગઠબંધન પક્ષ ઈન્સાફ પાર્ટીએ પણ ગઠબંધન છોડી દીધું છે. ભગવંત માને કહ્યું કે, હું પ્રમુખ પદ છોડું છું પરંતુ ડ્રગ્સ માફિયાઓ સામે મારી લડત અવિરત ચાલુ રહેશે. માન સંગરૂરના સાંસદ છે.
કેજરીવાલે માફી માંગતા આપમાં ઘમાસણ
૧. આપના ગઠબંધન પક્ષ ઈન્સાફ પાર્ટીએ આપનો સાથ છોડયો. ૧પ આપના ધારાસભ્યો અલગ પાર્ટી બનાવવાની તૈયારી કરે છે.
ર. પંજાબ કોંગ્રેસના નેતા અને શહેરી વિકાસ મંત્રી નવજોત સિદ્ધુએ કહ્યું કે કેજરીવાલે પંજાબના લોકોને નીચા દેખાડ્યા છે અને આપની હત્યા કરી છે. હવે ડ્રગ્સ વિષે કેજરીવાલ કેવી રીતે બોલશે ?
૩. આપ નેતા સાંસદ સંજયસિંગે કેજરીવાલના માફિનામા સામે નારાજગી વ્યક્ત કરી કહ્યું કે ન્યાય થશે અને મજીઠિયા જેલમાં જશે.
૪. અકાલી નેતા સુખબીર બાદલે કહ્યું કે, મજીઠિયા સામેના આરોપો ખોટો પુરવાર થયા છે.
પ. અકાલી નેતા અને કેન્દ્રીય મંત્રી હરસીમરન કૌરે કહ્યું કે આપ દ્વારા સસ્તુ રાજકારણ ખેલી ખોટા ગપગોળા ચલાવાયા. અંતે કેજરીવાલે જૂઠ કબૂલ કર્યું.
૬. પંજાબના આપના ધારાસભ્યોની બેઠક મળી જેમાં પક્ષના ઉપપ્રમુખ અમન અરોરાએ રાજીનામાની ઓફર કરી.
૭. દિલ્હીમાં આપ નેતાઓએ કહ્યું કે પક્ષ પ્રમુખ કોર્ટ કેસોની તંગ આવી ગયા હતા. હવે અરૂણ જેટલીના કેસમાં પણ માફીનામાની કેજરીવાલ તૈયારી કરી રહ્યા છે.
૮. આપના ધારાસભ્ય સુખપાલસિંગ ખેરે કહ્યું કે કેજરીવાલના માફીનામાને ધિક્કારું છું. મસલત કર્યા વગર નિર્ણય કર્યો. તેઓ નબળા પડી રહ્યા છે તેથી અકાલી દળ સાથે વાત કરે છે. પરંતુ અમારા માટે પંજાબનું કલ્યાણ શ્રેષ્ઠ છે.
૯. પૂર્વ મંત્રી મજીઠિયાએ કેજરીવાલ સામે માનહાનિનો દાવો કર્યો હતો. કેજરીવાલે કેફીદ્રવ્યોના વેપારનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે ખોટા આરોપો મૂકી તેમના પરિવારની છાપ બગાડી હતી.
૧૦. લગભગ ર૦ જેટલા માનહાનિના કેસ આપ નેતા કેજરીવાલ સામે દેશની વિવિધ અદાલતોમાં રાજનેતાઓએ દાખલ કર્યા છે.