(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
સોનગઢ ચાર રસ્તા પાસે ધૂળેટીના દિવસે (ગતરોજ) કેટરર્સનો ટેમ્પો પલટી મારી જતાં ૧પ લોકોમાંથી બે મહિલા સહિત ૩ ઇસમોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે ૧ર જેટલા ઇસમોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલથી લઇને સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉકાઈ ખાતે સીપીએમની સરકારી કચેરી ખાતે હોળી-ધૂળેટીનો કાર્યક્રમ હતો. જેમાં રસોઈ માટે શુક્રવારે સોનગઢથી ૧૫ લોકોને લઈને ટેમ્પો જઈ રહ્યો હતો. આ દરમિયાન સોનગઢ ચાર રસ્તા પર ડ્રાઈવરની બેદરકારીના કારણે ટેમ્પો પલટી મારીને ઝાડ સાથે અથડાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. ટેમ્પો પલટી મારી જતાં રસ્તા પર રસોઈનો સામાન વેરવિખેર થઈ ગયો હતો. ગેસની બોટલથી લઈને શાકભાજી અને અન્ય સામાન રસ્તા પર વિખેરાઈ ગયો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સદનસીબે ગેસની બોટલ ધડાકાભેર રસ્તા પર પડી હોવા છતાં તેમાંથી ગેસ લિકેઝ ન થતાં મોટી જાનહાનિ ટળી હતી. જો કે, રસ્તા પર એકઠા થયેલા લોકોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. સોનગઢ ચાર રસ્તા પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮થી લઈને જે વાહન મળ્યું તેમાં સોનગઢની હોસ્પિટલથી લઈને સુરત સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને ખસેડ્યા હતા. જેમાં સુરત સિવિલમાં કપિલાબેન રામુભાઈ ગામીમ (ઉ.વ.૩૦) અને લીલાબેન જયસિંગભાઈ ગામીત (ઉ.વ.૩૭)નાને સારવાર આપવામાં આવી રહી છે. અન્યને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
કેટરર્સનો ટેમ્પો પલટી ખાઈ જતાં ત્રણનાં મોત : ૧ર શખ્સોને ઈજા

Recent Comments