(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૧૭
મોરબી જિલ્લામાં ગત ચોમાસામાં પડેલા રેકોર્ડ બ્રેક વરસાદ થતા મોરબીનો મચ્છુ ૨ ડેમ ઓવરફલો થઈ ગયો હતો. એક તરફ પીવાના પાણીની સમસ્યા હલ થઇ ગઈ હતી. તો બીજી તરફ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી જશે તેવી આશા હતી. જો કે સિંચાઈ વિભાગની અણધડ નીતીને કારણે મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી કેનાલ છતાં પાણીએ ખાલી છે. મોરબીમાં મચ્છુ૨ સિંચાઈ યોજના અંતર્ગત મુખ્ય ત્રણ કેનાલમાં ૮.૫ કિમીની કેનાલ નેટવર્ક પાથરાયેલ છે. જો કે સિંચાઈ વિભાગ દ્વારા ભારે વરસાદમાં નુકશાન પામેલ કેનાલનું સમયસર રીપેરીંગ ન કરવાના કારણે મોરબી તાલુકાના ૧૪ ગામડામાં સિંચાઈનું પાણી મળ્યું નથી. જેના કારણે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શક્યા નથી.
કેનાલ તૂટી જવાને કારણે મોરબી તાલુકાના અમરેલી, ખીજડીયા, વનાળીયા, નારણકા, જેપુર, ખાખરાળા, લુટાવદર, ખેવારીયા, પીપળીયા, નાની વાવડી, બગથળા, બીલીયા, બરવાળા સહિતના ૧૪ ગામના ખેડૂતો શિયાળુ પાક લઇ શક્યા નથી. ચોમાસું પાકને થયેલા નુકશાનની ભરપાઈ કરવા શિયાળુ પાકની આશ લગાવી બેઠેલા ખેડૂતોની ઈચ્છા પર સિંચાઈ વિભાગની ઢીલી નીતિ ભારે પડી ગઈ છે. હજુ પણ આ કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે. જેના કારણે આગામી સમયમાં ક્યારે ખેડૂતોને કેનાલમાંથી પાણી મળતું થશે તે સવાલ છે.
૨૦૧૭માં થયેલા ભારે વરસાદમાં કેનાલને નુકશાન થયું હતું. જે બાદ તંત્રએ રીપેર કરવાની કામગીરી કરી હતી. જો કે આ કામગીરી તેઓ પૂરી ન કરી શકતા જે તે વખતે શિયાળુ પાકનું વાવેતર કરવા નાં પાડી હતી. પછીના વર્ષે દુષ્કાળ થતા તે વર્ષે પણ પાક લઇ શક્યા ન હતા. ફરીવાર આ વખતે અમે નવેમ્બરમાં પાણી છોડવા માગણી કરી તો આ વખતે પણ કેનાલનું રીપેરિંગ કામ થયું ન હોવાનું જણાવી, પાણી છોડવાની ના પાડી હતી તેવો ખેડૂતોએ બળાપો ઠાલવ્યો છે. જ્યારે મોરબીની ડી૨ અને ડી૩ કેનાલનું લાઈનીંગ કામગીરી પૂર્ણ થવાની તૈયારી છે. જયારે સ્ટ્રકચર કામ ચાલુ છે. આગામી ૩૧ મે સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે. આગામી ઉનાળુ સીઝન માટે પાણી આપવાનું અમારૂં આયોજન છે. તેમ મચ્છું ૨ ડેમ સિંચાઈ યોજનાના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર પી. એમ. પાચોટીયાએ જણાવ્યું હતું.