(સંવાદદાતા દ્વારા) વાગરા, તા.૨૮
ભરૂચ જિલ્લામાં બે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા.ત્રીજી વાર વાવણી કરી હિંમત ન હારેલ ખેડૂત સરકારની નીતિનો ભોગ બનવા જઈ રહ્યો છે.ભરૂચ જિલ્લાની ૬૦૦ કિ.મી જેટલી કેનાલોનું સમારકામ ન થતા પાણી વિના જગતના તાતનો શ્વાસ રૂંધાઇ જવાની શક્યતાઓ વધી ગઈ છે.
ભરૂચ જિલ્લામાં નર્મદા નિગમના સંચાલન હેઠળની ૬૦૦ કિ.મી થી વધુ કેનાલોનું સમારકામ થયુ નથી.એક તરફ ખેડૂતને કુદરતની થપાટ લાગતા બે વારની વાવણી નિષ્ફળ જવા પામી છે.તેમ છતાંયે જગતના તાતે હિંમત ન હારી ગમે તેવી રીતે પૈસા એકત્ર કરી ત્રીજી વારનું બિયારણની ખેતરોમાં વાવણી કરી હતી.જો કે હવે ઉભેલા પાકને પાણીની જરૂરિયાત ઉભી થતા ખેડૂતોએ નર્મદાની નહેર ઉપર મીટ માંડીને બેઠો છે.પરંતુ કેનાલોની વાસ્તવિકતા કંઈક બીજીજ છે.ઉનાળામાંજ કેનાલોનું સમારકામ થવુ જોઈએ એ આજદિન સુધી થયુ નથી.અને નજીકના ભવિષ્યમાં સમારકામ થાય એમ લાગતુ નથી.ત્યારે ખેતરમાં દાણા ઉગાડી દેશભરના લોકોને અનાજ પૂરું પાડતા ખેડૂત પાણી માટે રીતસરનો રઘવાયો બન્યો છે.આમોદ તાલુકાની ૧૦૨ કિ.મી. કેનાલ અને વાગરા તાલુકાની ૧૦૦ કિ.મી. જેટલી કેનાલોનું મેન્ટેનન્સ હજુ સુધી કરવામાં આવ્યુ નથી.નર્મદા નિગમના અધિકારીઓને આ અંગે પૂછતાં કોઈજ સ્પષ્ટ જવાબ મળતો નથી.બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાગુ કર્યાનો સંતોષ માને છે.જ્યારે જમીની હકીકત જોતા બીજો ચિતાર જોવા મળી રહ્યો છે.આજે પણ કેટલીયે માઇનોર કેનાલો બની ગઈ હોવા છતાંયે તેમાં વર્ષો પછી પણ એકેય ટીપું પાણી આવ્યુ નથી.જે રાજ્ય સરકારની કુશળતા બતાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ ખેતરોમાં કેનાલ આવવાથી પાકનું ઉત્પાદન વધશે એ બાબતને ધ્યાને રાખી મહામૂલી જમીનો નર્મદા નિગમને આપી દીધી હતી.જગતના તાત ને જો સમયસર પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરતા પણ અચકાશે નહીં.કુદરતી હોનારતનો ભોગ બનેલ ખેડૂતની ત્રીજી વારની વાવણી નિષ્ફળ જશે તો તેણે રાતા પાણીએ રોવાનો વારો આવશે.કેનાલોમાં પાણી ન આવતા ખેડૂતનો અધિકારીઓ અને રાજકારણીઓ ઉપર ભારે રોષે ભરાયા છે.જો કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં નહિ આવે તો ખેડૂતો આક્રમક માર્ગ અપનાવશે એમ કોઈ બે મત નથી.

ખેડૂતોને તાત્કાલિક ધોરણે સરકાર પાણી
પહોંચાડે : અજીતસિંહ રાજ

વાગરા, તા.૨૮
સાચા અર્થમાં સરકાર ખેડૂતો માટે કઈ કરવા માંગતી હોય તો તાત્કાલિક ધોરણે કેનાલોમાં પાણી છોડી તેની વ્હારે આવે. અન્યથા ખેડૂતો રસ્તા ઉપર આવતા અચકાશે નહીં. જેનું પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે એવું ભરૂચ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ અજીતસિંહ રાજે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કે, મંત્રીઓ જે તે વિસ્તારમાં આવે તે પહેલા રોડ રસ્તાથી લઈ બધી જ સગવડ રાતોરાત પાવરધુ તંત્ર કરી નાંખે છે. ત્યારે ખેડૂતોના પ્રશ્ને કેમ આવું થતું નથી ?