અમદાવાદ, તા.૧૯
કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો તેમની ભારતની મુલાકાતના ભાગરૂપે સોમવારે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ભારતીય પોષાકમાં સજ્જ જસ્ટીન ટ્રુડો અને તેમના પરિવારે ગાંધીઆશ્રમ, અક્ષરધામ મંદિરની મુલાકાત લઈને ખુશી વ્યક્ત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો સોમવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટે પત્ની અને બાળકો સાથે આવેલા વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓ સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. પત્ની બાળકો સાથે જસ્ટીન ટ્રુડો પણ ભારતીય પોષાકોમાં સજ્જ હતા. ટ્રુડો અને તેમના પરિવારે ગાંધીઆશ્રમમાં રેંટિયો પણ કાંત્યો હતો. તેમજ જસ્ટીને વિઝીટર બુકમાં સંદેશ લખીને ખુશી વ્યક્ત કરી હતી. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ જસ્ટીન ટ્રુડોએ ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ટ્રુડો અને તેમના પરિવારનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. આ મંદિરની મુલાકાત બાદ તેઓએ અમદાવાદની એક હોટલમાં ભોજન લીધું હતું. ત્યારબાદ બપોરે અમદાવાદ આઈઆઈએમની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.