(એજન્સી) તા.૬
અમેરિકાની અશ્વેત વિરોધી રંગભંદની નીતિનો વિરોધ કરવા કેનેડાના પાટનગર ઓટાવા ખાતે યોજાયેલી એક રેલીમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ જોડાઇ ગયા હતા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રંગભંદની નીતિનો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન યોજનારા લોકોએ ટ્રુડોને હાકલ કરી હતી કે તેમણે પણ અમેરિકાના પ્રમુખની નીતિનો વિરોધ કરવો જોઇ. ટ્રુડો જો કે વિરોધ કરનારા લોકોની સાથે કાળુ માસ્ક પહેરી ઘૂંટણીયાભેર બેસી ગયા હતા અને તેઓને પોતાનું સમથર્ન આપ્યું હતું. કેનેડાની સંસદની સામે શુક્રવારે યોજાયેલી ‘‘નો જસ્ટિસ-નો પીસ” નામની આ રેલીમાં જસ્ટિન ટ્રુડોએ અત્યંત આશ્ચર્યનજનક રીતે હાજરી આપી હતી અને દેખાવકારોની સાથે કાળુ માસ્ક પહેરીને જોડાઇ ગયા હતા. મહત્ત્વની વાત તો એ છે કે ગુરૂવારે જ કેનેડાની પોલીસે પૂર્વ કેનેડાના એક વિસ્તારમાં આરોગ્યની ચકાસણી દરમ્યાન એક રેડ ઇન્ડિયન મહિલાને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને આ ઘટનાના બીજા જ દિવસે ટ્રુડોએ અશ્વેત વિરોધી નીતિનો વિરોધ કર્યો હતો. અમેરિકાના મિનિયાપોલીસ શહેરમાં વ્હાઇટ પોલીસમેનની ક્રૂરતાનો ભોગ બનીને જીવ ગુમાવનાર અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના સમર્થનમાં કેનેડાના ટોરન્ટો સહિતના અન્ય ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. પ્રદર્શનકારીઓની સાથે બેસીને ટ્રુડોએ ત્રણવાર ઘૂંટણીએ બેઠા હતા કેમ કે અમેરિકામાં આફ્રિકન અમેરિકન નાગરિકની થયેલી હત્યાનો વિરોધ કરવા તમામ પ્રદર્શનકારીઓએ ત્રણવાર ઘૂંટણભેર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે આ ઘટના બાદ લોકોએ જસ્ટિન ટ્રુડોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હાથમાં બાઇબલ લઇને એક ચર્ચ પાસે ફોટો પડાવવાનો હતો ત્યારે પણ હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા પરંતુ પોલીસે તેઓને વિખેરી નાંખવા સંખ્યાબંધ ટિયરગેસના શેલ છોડ્યા હતા.