(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના લોકોને વિદેશ કેનેડામાં ઉચ્ચ પગારે નોકરીએ મોકલવાના બહાને લોકો પાસેથી વિજલપોરમાં આવેલી ક્રિસ્ટી ટ્રાવેર્લ્સના સંચાલકોએ કુલ રૂા.૪.૧૦ લાખ પડાવી લઈ ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જલાલપોર અને નવસારી તાલુકાનાં વિદેશમાં ઉંચા પગારે નોકરી ઈચ્છતા નોકરી વાંચ્છુઓ દ્વારા વિજલપોર ખાતે લક્ષ્મીનગર, શપ્તશૃંગી મંદિર પાસે શ્રીરામ કોન્ટ્રાક્ટરના મકાનમાં રહેતાં વાસુ રાજેશભાઈ કોળીએ વિજલપોર નગરપાલિકા સામે માધવ કોમ્પ્લેક્ષમાં ક્રિસ્ટી ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સની ઓફિસ શરૂ કરી. કેનેડા જેવા દેશમાં વર્ક પરમીટ વીઝાથી ઉંચા પગારે નોકરી આપવાની લાલચ આપતી જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતાં કેનેડામાં ઉચ્ચ પગારની નોકરી મેળવવાની લાલચમાં નવસારી અને જલાલપોર તાલુકાના અનેક લોકો પાસેથી વાસુ કોળીએ લાખો રૂપિયા પડાવી લીધા હતા અને સમય વીતી જતાં વિદેશ કેનેડાના વીઝા નહીં આવતા પૈસા ભરનારા નોકરિયાતો વાસુ કોળીની ક્રિસ્ટી ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સની ઓફીસે આંટા ફેરા વધી ગયા હતા. આથી વાસુ કોળી પરિસ્થિતિ પામી જઈ દુકાને ખંભાતી તાળા મારી ફરાર થઈ જતાં અનેક લોકોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે જલાલપોર પોલીસમાં શાદુર્લકુમાર જયંતીલાલ પટેલ રહે. અમૃતનગર સોસાયટી, દુધીયા તળાવ રોડ, મંકોડીયા નવસારીએ વાસુ કોળી વિરૂદ્ધ રૂ.૪,૧૦,૦૦૦ની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે અંગેની વધુ તપાસ એલસીબી પોલીસના પીઆઈ એ.યુ. રોઝ કરી રહ્યા છે.
કેનેડામાં ઉચ્ચ પગારે નોકરી આપવાની લાલચે નોકરીવાંચ્છુકો સાથે ઠગાઈ

Recent Comments