(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૯
ભરૂચ તાલુકાના નબીપુર ગામના એક યુવકનું કેનેડા ખાતે નાયગ્રા ધોધમાં પગ લપસી પડતાં ગુમ થઇ જતાં ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નબીપુર ગામના મૂળ વતની હાલ ભરૂચ પ્રેસિડેન્ટ પાર્કમાં રહેતા સિરાજભાઈ નબીપુરવાળાના પુત્ર સમીર મેડિકલ અભ્યાસ અર્થે કેનેડા ખાતે ગયો હતો. જ્યાં તે મંગળવારના રોજ નાયગ્રા વોટર ફોલ્સમાં પર પોતાના મિત્રો સાથે ગયા હતા જ્યાં સમીર નામના યુવકનો પગ લપસી પડતાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ આદરી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ સુધી સમીરની કોઈ ભાળ મળી શકી નથી અને સમીરની શોધખોળ માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ છે. નબીપુર ગામનો આશાસ્પદ યુવક પાણીમાં ગુમ થઇ ગયાના સમાચારો વાયુવેગે પ્રસરતાં નબીપુર સહિત સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજમાં ખૂબ જ ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે જ્યારે સમીરના પરિવારજનો પણ ખૂબ જ ચિતામાં મૂકાઇ જવા પામ્યા છે.