અમદાવાદ,તા. ૩
કેનેડા જવા ઇચ્છતા લોકોને કેનેડામાં નોકરી અને રહેવા-જમવાની સગવડો સહિતની લાલચ આપી નોકરી-રોજગાર માટે તેઓને કેનેડા મોકલવાની જાળમાં ફસાવી કરોડો રૂપિયા ખંખેરવાના ચકચારભર્યા કૌભાંડમાં આરોપી કેવલ નીકેતનકુમાર ભટ્ટની આગોતરા જામીન અરજી અત્રેના એડિશનલ સેશન્સ જજે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, કેસની તપાસ નાજુક તબક્કામાં છે ત્યારે અને સમાજમાં દિન પ્રતિદિન આવા ગુનાઓનું પ્રમાણ વધતુ જાય છે ત્યારે આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી જણાય છે અને તે સંજોગોમાં આરોપીના આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે. રાજય સરકાર તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર બી.બ્રહ્મભટ્ટે આરોપી કેવલ ભટ્ટની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આરોપી પોતે ભારત સરકારના ઇમીગ્રેશન કાયદા હેઠળ અધિકૃત એજન્ટ નહી હોવાછતાં તેઓ કાયદેસરના એજન્ટ છે એવું જણાવીને ભટ્ટસ ઇમીગ્રેશનના નામે ગેરકાયદેસર એજન્ટ તરીકે કામ કરીને અન્ય આરોપીઓના મેળાપીપણામાં સંખ્યાબંધ લોકોને કેનેડામાં નોકરી અને રોજગારી અપાવવાના બહાને તેમને ત્યાં રહેવા-જમવાની સગવડની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. આરોપીએ અન્ય સહઆરોપીઓ સાથે પૂર્વઆયોજિત કાવતરૂ રચી કેનેડા જવા ઇચ્છતા સંખ્યાબંધ ગ્રાહકો સાથે ગંભીર ઠગાઇ અને વિશ્વાસઘાત કરી ગુનાહિત કૃત્ય આચર્યું છે. નરોડા પોલીસ મથકમાં નોંધાયેલા આ ગંભીર ગુનાની તપાસ ચાલુ છે અને હજુ નાજુક તબક્કામાં છે. જો આવા સમયે આરોપીને આગોતરા જામીન અપાય તો કેસની તપાસને વિપરીત અસર થાય અને સમાજમાં અવળો સંદેશો જાય. વળી, સમાજમાં વિદેશ મોકલવાના બહાને છેતરપીંડી આચરવાના ગુનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન સતત વધતુ જાય છે ત્યારે કોર્ટે આરોપીના ગુનાહિત કૃત્યને સહેજપણ હળવાશથી લેવું જોઇએ નહી. ગુનાની ગંંભીરતા જોતાં કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી કેવલ ભટ્ટના આગોતરા જામીન ફગાવી દીધા હતા.