(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
એક અસાધારણ પગલું ભરતા કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કામમાં દાન આપવામાં કરમુક્તિ આપવાને મંજૂરી આપી છે. આઠમી મેએ એક નોટિફિકેશન જારી કરીને સીબીડીટીએ મંદિરના સ્થાન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ઐતિહાસિક મહત્વનું સ્થાન અને જાહેર પૂજાનું સ્થળ ગણાવીને આવકવેરામાં કલમ ૮૦જીના સેક્શન(બી) અને સબ સેક્શન(૨) હેઠળ દાનમાંથી કરમુક્ત જાહેર કર્યું છે. નોટિફિકેશનમાં કહેવાયું છે કે, ટ્રસ્ટમાં દાન કરનારાઓને ૫૦ ટકાની મર્યાદા સુધી ટેક્સમાં છૂટ આપી છે. ટ્રસ્ટની આવક પર પહેલા જ અન્ય નોંધાયેલા ટ્રસ્ટોની જેમ આવક કાયદાની કલમ ૧૧ અને ૧૨ અંતર્ગત છૂટ આપવામાં આવશે. કલમ ૮૦જી અંતર્ગત તમામ ધાર્મિક ટ્રસ્ટોને છૂટનો લાભ મળતો નથી. એક ધર્માર્થ અથવા ધાર્મિક ટ્રસ્ટને પહેલા કલમ ૧૧ અને ૧૨ અંતર્ગત આવકવેરા છૂટ માટે નોંધણીની અરજી કરવી પડે છે. ત્યારબાદ કલમ ૮૦જી અંતર્ગત દાનદાતાઓને છૂટ આપવામાં આવે છે.
આ પહેલા કેન્દ્ર સરકારે ૨૦૧૭માં ચેન્નાઇના માયલાપુર ખાતેના અરૂલમિગુ કપાલેશ્વર, ચેન્નાઇના કોટ્ટિવાકમ ખાતેના અરિયાકુડી શ્રી શ્રીનિવાસા પેરૂમલ મંદિર, અને મહારાષ્ટ્રના શ્રીરામ રામદાસ સ્વામી સમાધિ મંદિર અને રામદાસ સ્વામી મઠને ઐતિહાસિક મહત્વ અને જાહેર પૂજાના સ્થાનોના રૂપમાં નોંધાયા હતા અને કલમ ૮૦જી હેઠળ કાપ માટે પરવાનગી આપી હતી. ઉલ્લેખનીય છે કે, નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદ પર પોતાનો ચુકાદો સંભળાવતા વિવાદિત જમીન પર મુસ્લિમ પક્ષનો દાવો ફગાવતા હિંદુ પક્ષને જમીન આપવા કહ્યું હતું. એક સદીથી જૂના આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રામ જન્મભૂમિ ન્યાસને ૨.૭૭ એકર જમીન પર માલિકી હક મળશે જ્યારે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન આપવાનો ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ત્રણ મહિના કરતા પણ ઓછા સમયમાં કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટની રચનાને મંજૂરી આપી હતી. પાંચ ફેબ્રુઆરીએ સ્થાપિત રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નામના ટ્રસ્ટમાં ૧૫ સભ્યો સામેલ છે. છ મેએ ટ્રસ્ટના સભ્યો દ્વારા વીડિયો કોન્ફરન્સથી મીટિંગ થઇ હતી જ્યાં મહાસચિવ અનએ વીએચપી નેતા ચંપતરાયે જણાવ્યું હતું કે, લોકડાઉન હળવુંં કર્યા બાદ સ્થળ પર કામ ચાલુ કરાશે અને રામ મંદિર બાંધવા માટે ભૂમિપૂજનની તારીખ સભ્યો નક્કી કરશે.