(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
કેન્દ્ર સરકારે ગત મોડીરાત્રે કરેલા આદેશમાં આજથી બિનઆવશ્યક ચીજવસ્તુઓ વેચતી તમામ રજિસ્ટર્ડ દુકાનો ખોલવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અંગે શુક્રવારે મોડીરાત્રે આ અંગેનું સંશોધિત જાહેરનામું બહાર પાડયું હતું. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના કારણે દેશમાં હાલમાં લોકડાઉનની સ્થિતી રહેલી છે. આવી સ્થિતી વચ્ચે કેટલાક પ્રકારની દુકાનોને ખોલવાને લઇને ઉભી થયેલી દુવિધાને કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આજે દુર કરવામાં આવી હતી. લોકડાઉનના ગાળામાં કઇ દુકાનો ખુલી રહેશે અને કઇ બંધ રહેશે નહીં તેને લઇને સ્પષ્ટતા કરવામાં આવી હતી. સલુન, પાર્લર અને શરાબની દુકાનો ખુલી જશે તેની રાહ જોઇ રહેલા લોકોને આખરે નિરાશા હાથ લાગી છે. સરકારે સાફ શબ્દોમાં કહ્યુ છે કે આ પ્રકારની દુકાનોને ખોલવાની મંજરી હાલમાં આપવામાં આવી નથી. જરૂરી ચીજવસ્તુઓનુ વેચાણ કરી રહેલી દુકાનોને મંજુરી આપવામાં આવી રહી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગ્રામીણ વિસ્તારોમાં તો શોપિંગ મોલ સિવાય તમામ દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં નિવાસી સંકુલમાં રહેલી દુકાનોને ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. સરકાર દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે વેચાણની મંજુરી આપવામાં આવી રહી છે. શરાબ અને અન્ય પ્રકારની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ રહેનાર છે. હેર સલુન અને બાર્બરની દુકાનો બંધ રહેશે. કારણ કે કેટલીક જગ્યાએ આના કારણે પણ કોરોના પોઝિટિવ કેસો સપાટી પર આવ્યા છે. હાલમાં કોઇ પણ પ્રકારના રેસ્ટોરન્ટને ખોલવાની મંજુરી આપવામાં આવી રહી નથી. ઉપરાંત કોરોના વાયરસ જે વિસ્તારમાં વધારે ફેલાયેલો છે તે વિસ્તારમાં કોઇ દુકાનો અને અન્યોને ખુલી રાખવાની મંજુરી આપવામાં આવી રહી નથી. કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દેશભરમાં છેલ્લા એક મહિનાથી લોકડાઉનનો ગાળો ચાલી રહ્યો હતો. આ લોકડાઉનના ગાળા વચ્ચે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા શુક્રવારે મોડી રાત્રે દેશના લાખો દુકાનદારોને મોટી રાહત આપી દીધી હતી. જો કે આને લઇને સવારમાં દુવિધા રહેતા ફરી સ્પષ્ટતા કરવામાં આવી હતી. મંત્રાલય દ્વારા આદેશ જારી કરીને શનિવાર સવારથી તમામ રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોમાં રજિસ્ટર્ડ દુકાનોને શરતી રીતે ખોલવાની મંજુરી આપી દીધી હતી. જો કે હાલમાં શોપિંગ મોલ્સ અને શોપિંગ કોમ્પ્લેક્સને ખોલવા માટેની મંજુરી આપી નથી. આ છુટછાટ હાલમાં એવા દ દુકાનદારો માટે છે જે નગર નિગમ અને નગરપાલિકાના ક્ષેત્રાધિકારમાં આવતી નથી. એમ કહેવામાં આવે છે કે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા પવિત્ર રમઝાન મહિનાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે પોતાના આદેશમાં કેટલીક શરતો લાગુ કરી દીધી છે. જે મુજબ તમામ દુકાનદારો અને રાજ્ય અને કેન્દ્રશાષિત પ્રદેશોમાં રજિસ્ટર્ડ રહે તે જરૂરી છે. તમામ દુકાનોમાં ૫૦ ટકા સ્ટાફ રાખવા માટેની જ મંજુરી હાલમાં આપવામાં આવી છે. સાથે સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને પાળવા માટે કહેવામાં આવ્યુ છે. દુકાનમાં કામ કરનાર લોકોને માસ્ક પહેરવાની બાબત પણ ફરજિયાત રહેશે. શોપિંગ મોલ્સ અને કોમ્પ્લેક્સને હજુ રાહ જોવાની ફરજ પડી શકે છે. સિંગલ બ્રાન્ડ અને મલ્ટીબ્રાન્ડ મોલને હાલમાં ખોલવાની મંજુરી આપવામાં આવી નથી. આદેશમાં કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યુ છે કે નગર નિગમ અને નગર પાલિકાની હદમાં આવનાર બજારને હાલમાં ખોલવામાં આવનાર નથી. અહીં દુકાનો લોકડાઉનની નિર્ધારિત તારીખ ત્રીજી મે સુધી બંધ જ રહેનાર છે. આ ઉપરાંત સિંગલ અને મલ્ટી બ્રાન્ડ મોલ્સ હાલમાં બંધ રહેશે. આ આદેશ ૧૫મી એપ્રિલના દિવસે જારી દિશાનિર્દેશમાં સુધારો કરીને જારી કરવામાં આવ્યા છે. જે હેઠળ ૨૦મી એપ્રિલના દિવસથી કેટલીક ગતિવિધીઓને છુટછાટ આપવામાં આવી હતી. કેન્દ્રિ. ગૃહ મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યુ છે કે નિવાસી સંકુલ અને માર્કેટ કોમ્પ્લેક્સમાં આવેલી તમામ દુકાનો સહિત રાજ્ય અને કેન્દ્રશાષિત પ્રદેશમાં શોપ્સ એન્ડ એસ્ટેબલીસમેન્ટ એક્ટ હેઠળ તમામ દુકાનોને ખોલી દેવાની મંજુરી આપી દીધી છે. હકીકતમાં શુક્રવારના દિવસે મોડી રાત્રે જે આદેશ આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યુ હતુ કે હોટસ્પોટને બાદ કરતા બાકીની જગ્યાએ તમામ પ્રકારની દુકાનોને ખોલવાની મંજુરી આપી દેવામાં આવી છે. જેના કારણે કેટલીક દુવિધા ઉભી થઇ ગઇ હતી. સલુનનો ઉલ્લેખ કરતા કેન્દ્રિય ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે સલુન સર્વિસ આપે છે. હાલમાં એવી દુકાનોને છુટ છે જે ચીજોનુ વેચાણ કરે છે. હાલમાં રેસ્ટોરેન્ટ ખોલવાની પણ મંજુરી આપવામાં આવી રહી નથી. શહેરી વિસ્તારોમાં તમામ સ્ટેન્ડ એલોન શોપ્સ, નિવાસી વિસ્તારોની નજીકની દુકાનોને મંજુરી આપી દેવામાં આવી છે. નિવાસી સંકુલની અંદર રહેલી દુકાનો પણ ખુલ્લી રાખવાની મંજુરી આપી દેવામાં આવી છે.

કોને મંજૂરી અને કોને નહીં

ગ્રામીણ વિસ્તારોમાં તો તમામ દુકાનો ખુલ્લી

સલુન, પાર્લર અને શરાબની દુકાનો હાલમાં ખોલી શકાશે નહીં
જરૂરી ચીજવસ્તુઓ વેચી રહેલી દુકાનો અને હોટસ્પોટથી બહાર રહેલી દુકાનોને મંજુરી અપાઇ છે.
હોટસ્પોટ વિસ્તારો, શોપિંગ મોલ્સ અને કોમ્પ્લેક્સને હાલમાં મંજુરી રહેશે નહીં
ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનોને ખોલી દેવા માટેની મંજુરી આપી દેવામાં આવી
શહેરી વિસ્તારોમાં તમામ સ્ટેન્ડઅલોન શોપ્સ, નિવાસી વિસ્તારોની નજીકની દુકાનોઅને નિવાસી સંકુલની અંદર રહેલી દુકાનોને ખોલવાની મંજુરી આપી દેવામાં આવી
શોપિંગ માર્કેટ, કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ હાલમાં બંધ રહેશે.
ઇ-કોમર્સ કંપનીઓ હાલમાં બિનજરૂરી ચીજવસ્તુઓની ડિલિવરી કરી શકશે નહીં માત્ર જરૂરી વસ્તુઓની ડિલિવરી કરવાની મંજુરી રહેશે.
હોટવિસ્તારમાં કઠોર નિયમો યથાવત રીતે જારી રહેનાર છે.
જુદા જુદા વિસ્તારોમાં માત્ર રજિસ્ટાર્ડ દુકાનોને જ ખોલવાની મંજુરી આપવામાં આવનાર છે.

દુકાનો ખોલવા અંગે ફેલાયેલી ગેરસમજને દૂર કરવા કેન્દ્રીયમંત્રીએ ખુલાસો કરવો પડ્યો

નવી દિલ્હી,તા.૨૫
શુક્રવારે મોડી રાત્રે કેન્દ્રના ગૃહ મંત્રાલયે એક ઓર્ડર કરી અને બિન આવશ્યક વસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને ખોલવા માટે મંજૂરી આપી હતી. જોકે, આ ઓર્ડરને લઈને વેપારીઓમાં ભારે ગેરસમજ હોઈ આજે શનિવારે સવારે મંત્રાલય દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો અને કઈ પ્રકારના ધંધા રોજગારને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો મારફત એક પ્રેસ રિલીઝ જાહેર કરી મંત્રાલયે ખુલાસો કર્યો હતો કે, શહેરી વિસ્તારમાં સ્ટેન્ડએલોન શોપ, રહેણાંક કોમ્પ્લેક્સની દુકાનો અને રહેણાંક વિસ્તારોની દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જયારે માર્કેટ અને માર્કેટ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોને ખોલવાની મંજૂરી નથી. આ મુજબ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલમાં જે દુકાનો છે તેને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.
ગૃહ મંત્રાલયે ચોખવટ કરી છે કે, શોપિંગ મોલમાં આવેલી દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં છૂટક દુકાનોને ખોલી શકાશે. શુક્રવારે જ્યારથી ઓર્ડર કરવામાં આવ્યો છે ત્યારથી જ વેપારીઓમાં મહાનગર પાલિકા અને પાલિકાની હદમાં આવેલી દુકાનો ખોલવા બાબતે ઘણું જ કન્ફ્યુઝન થયું હતું. જેના પગલે આજે સરકારે ખુલાસો કરવો પડ્યો હતો.
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, જીવન જરૂરી સમાન વેચવા માટે ઈ-કોમર્સ કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાયનો કોઈ પણ સમાન તેઓ વેચી શકાશે નહિ. તેવી જ રીતે લિકર શોપ (દારૂનું વેચાણ કરતી દુકાનો)ને પણ હાલના સંજોગોએ બંધ રાખવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે.