(એજન્સી) તા.૧પ
ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આર્થિક પેકેજની આજે કોંગ્રેસે તીખી આલોચના કરવા સાથે આકરી ઝાટકણી પણ કાઢી હતી. કોંગ્રેસના મતાનુસાર આ રવિપાકની સિઝનમાં ખેડૂતોને રૂ. ૫૦,૦૦૦ કરોડનું તોતિંગ નુકસાન થયું છે અને હજુ સુધી ખેડૂતોના હાથમાં રાતી પાઇ પણ આવી નથી તેથી આ એક જૂમલા પેકેજથી વિશેષ બીજું કાંઇ નથી. કેન્દ્રની મોદી સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતો દ્વારા જાહેર કરાયેલા આર્થિક પેકેજની ટીકા કરતાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલે આજે કહ્યું હતું કે સરકાર દ્વારા આર્થિક પેકેજ તો જાહેર કરાયું પરંતુ દેશના ખેડૂતો કે મજદૂરોના હાથમાં આજદિન સુધી રાતી પાઇ પણ આવી નથી. રવિ પાકની આ સિઝનમાં દેશના ખેડૂતોને રૂ. ૫૦,૦૦૦નું નુકસાન થયું છે એમ તેમણે દાવો કર્યો હતો.
હવે એક વસ્તુ તો તદ્દન સાફ થઇ ગઇ છે કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલું રૂ. ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ એક જુમલા પેકેજથી વિશેષ કશું જ નથી એમ સુરજેવાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન અને નાણાં પ્રધાન મોટી મોટી ડંફાશો મારે છે અને પ્રસાર માધ્યમોમાં હેડલાઇન કેવી રીતે બની રહેવું તેની તજવીજ કરે છે, પરંતુ આજદિન સુધી ખેડૂતો કે સમાજના અન્ય નબળા વર્ગો માટે કશું નક્કર કામ કર્યું નથી.
સુરજેવાલે કહ્યું હતું કે ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવ કરતાં પણ અત્યંત ઓછા ભાવે ઘંઉનું વેચાણ કરીને રૂ. ૨૧,૦૦૦ કરોડનું નુકસાન વેઠ્યું છે, તે ઉપરાંત ચણા, સરસવ અને મસુરનું પણ વેચાણ કરીને સમાન કિંમતનું નુકસાન સહન કર્યું છે, તથા ફળો અને શાકભાજીનું પણ ખુબ જ નીચા ભાવે વેચાણ કરીને રૂ. ૧૦,૦૦૦ કરોડનું નુકસાન વેઠ્યું છે.
તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે આ રવિ સિઝનના કુલ ઉત્પાદન પૈકી ફક્ત ૨૬.૫ ટકા જેટલી જ ખેત પેદાશો લઘુતમ ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે અને બીજી બાજુ લોકડાઉનના કારણે બજારો બંધ છે તેથી ખેડૂતો ફેંકી દેવાના ભાવે પોતાની ખેતપેદાશો વેચવા મજબૂર બન્યા છે.
કેન્દ્રના આર્થિક પેકેજમાં ખેડૂતોને રાતી પાઇ પણ મળી નથી, આ ફક્ત ‘જૂમલા પેકેજ’ છેઃ કોંગ્રેસ

Recent Comments