જેતપુર, તા.૨૭
જેતપુર શહેરમાં આજે મહિલા કોંગ્રેસ દ્વારા કેન્દ્રના મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા ભાજપ કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે મોંઘવારી વિરોધી એક રેલી કાઢી ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ ઉતારવા માટેની માંગ કરી હતી. જેતપુર શહેરમાં આજે મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે આવેલ કેન્દ્રમાં કાપડમંત્રી રહેલ સ્મૃતિબેન ઈરાનીનો વિરોધ કરવા માટે મહિલાઓની એક વિશાળ રેલી કાઢી જેમાં મોંઘવારીનો પડ્યો માર, હવે નહી ચાલે ફેકુ સરકાર અને શાકભાજીના વધ્યા ભાવ, ભાજપવાળા હવે તો સમજણા થાવના બેનર્સ હાથમાં રાખી ભાજપ હાય હાય, નરેન્દ્ર મોદી, સ્મૃતિ ઈરાની હાય હાયના નારા લગાવી મામલતદારને આવેદનપત્ર આપી મહિલા કોંગ્રેસના શારદાબેન વેગડા અને શહેનાઝબેન બાબીએ રજૂઆત કરી કે, ૨૦૧૪માં જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગેસના બાટલાનો ભાવ ૪૨૫ રૂપિયા થતાં સ્મૃતિ ઈરાની દ્વારા દિલ્હીમાં ધરણા કરી તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને બંગડીઓ મોકલી હતી અત્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર છે અને મોંઘવારીએ માજા મૂકી છે. ગૃહણીઓનું આખુ બજેટ ખોરવાઈ ગયું છે. જીવન જરૂરી તમામ ચીજ-વસ્તુ તેમજ શાકભાજીનો ભાવ બે ગણો કે ત્રણ ગણો જેટલો વધી ગયો છે તેમ અને મહિલાઓને સ્વાવલંબન આપતી કોંગ્રેસની મહિલાલક્ષી તમામ યોજનાઓ ભાજપ સરકારે બંધ કરી દીધી હોવા છતાં સ્મૃતિ ઈરાની એક હરફ સુધ્ધા ઉચારતા નથી અમારે આજે સ્મૃતિ ઈરાની સાથે વડાપ્રધાન મોદી, અમિત શાહ તેમજ વિજય રૂપાણીને બંગડીઓ અમારે મોકલવી હતી પરંતુ રાજ્યની ભાજપ સરકારના ઇસારે અમોને તેનો વિરોધ કરવા માટે પણ જવા દેવામાં આવતા નથી માટે અમો મામલતદારને આવેદનપત્ર સાથે ભાજપના ત્રણેય નેતાઓ માટે બંગડીઓ પણ આપીએ છીએ અને ગરીબોનું, શ્રમિકોનું જીવન દુષ્કર કરનાર કારમી મોંઘવારી તરત કાબૂમાં લઈ તમામ ચીજવસ્તુ અને શાકભાજીના ભાવ તમામને પોષાય તેવા રાખવા માંગ કરી હતી.