(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર, તા.૩૦

કેન્દ્ર સરકાર દ્વારા ગતરોજ જાહેર કરાયેલ અનલોક-૩ની ગાઈડલાઈન અન્વયે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી વિચાર-વિમર્શ કરવા સાથે કેટલાક નિર્ણયો લીધા હતા. જેમાં સમગ્ર રાજ્યમાં તા.૧લી ઓગસ્ટથી રાત્રી કરફયુ સંપૂર્ણ ઉઠાવી લેવામાં આવશે. તે ઉપરાંત દુકાનદારો તથા હોટલ-રેસ્ટોરન્ટ વગેરે માટે પણ રાહતરૂપ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.  મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલોક-૩ સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.  આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યમાં ૧ ઓગસ્ટથી રાત્રિ કરફયુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં દુકાનો ૮ વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તેમ પણ તેમણે જાહેર કર્યું છે.  કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ.ઓ.પી. મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર પમી ઓગસ્ટથી ખોલી શકાશે.  આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઈન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારીત કરવામાં આવ્યું હતું.  આ બેઠક મંત્રી કૌશિક પટેલ, મંત્રી સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, તેમજ અન્ય અધિકારીઓ વગેરે જોડાયા હતા.

 

 

લોકડાઉનનો કડક અમલ રહેશે

શાળા- કોલેજો,

ટ્યુશન ક્લાસ નહીં ખૂલે

સિનેમા હોલ નહીં ખૂલે

લોકમેળા નહીં થાય

તહેવારની ઉજવણી નહીં થાય

ધાર્મિક કાર્યક્રમો નહીં થાય

સ્વિમિંગ પુલ નહીં ખૂલે

ખાનગી કાર્યક્રમો નહીં યોજી શકાય

ભીડ એકઠી નહીં કરી શકાય