(એજન્સી) તા.૧૧
કામદારો અને ખેડૂતોને નુકસાનના ભોગે કોર્પોરેટ સેક્ટરની લાભ કરાવતી સરકારી નીતિઓ વિરુદ્ધ મોટા ભાગના ભારતના રાજ્યોમાં કામદારો અને ખેડૂતો રવિવારે શેરીઓમાં ઉતરી આવ્યાં હતાં અને ‘ભારત બચાઓ દિન’ મનાવ્યો હતો. કામદારો અને ખેડૂતોએ કૃષિ ક્ષેત્રના તાજેતરમાં બહાર પાડવામા ંઆવેલ ત્રણ વટહુકમો, કેટલાક રાજ્યો દ્વારા શ્રમ કાયદાઓ સ્થગિત અથવા મંદ કરી દેવાના નિર્ણયો, કાર્યસ્થિતિ, સફાઇ કામદારો અને એક્રિડીટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ (આશા) કામદારોના ઓછા વેતન, ઊંચા બેરોજગારીના દર અને જાહેર સેવાઓનું સૂચિત ખાનગીકરણ કરવા સામે પોતાનો રોષ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ દેખાવનું સંકલન ડાબેરી સંલગ્ન ઓલ ઇન્ડિયા કિસાન સભા (એઆઇકેએસ) અને સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (સીટુ) અને ૨૦૦ જેટલા નાના મોટા સંગઠનોએ સંકલન કર્યુ હતું કે જેઓ ૨૦૧૭ના મંદસૌર ખેડૂત આંદોલન બાદ રચવામાં આવેલ ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટીના ભાગરુપ છે. આ સંગઠનોએ પોતાના વિરોધ કાર્યક્રમને ‘ભારત બચાઓ દિન’ એવું નામ આપ્યું હતું કે જેથી કેન્દ્રની ખેડૂત વિરોધી અને કામદાર વિરોધી નીતિ સામે દેશને બચાવી શકાય. તેમની માગણીઓમાં જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ તત્કાળ રોકવા, શ્રમ કાયદાઓમાં સૂચિત બદલાવને રોકવા, ગરીબી રેખા નીચેના પ્રત્યેક નાગરિકને પ્રતિ એકમ ૧૦ કિલો રેશન આપવા, જે લોકો ઇનકમટેક્સ ભરતાં નથી તેના તમામના ખાતામાં રૂા.૨૫૦૦ જમા કરાવવા, સ્કિમ વર્કર્સને મહિને લઘુત્તમ રૂા.૧૦૦૦૦ આપવા, કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને અન્ય ભથ્થાઓ પર મૂકવામાં આવેલ નિયંત્રણો તાત્કાલિક પાછા ખેંચી લેવા વગેરેનો સમાવેશ થતો હતો.