(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
રાજ્યભરમાં મંદિરો-મસ્જિદ-ચર્ચ સહિતના ધર્મ-સ્થાનો આગામી દિવસોમાં શરૂ કરવા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી રાજ્યભરના વિવિધ ધર્મ-સંપ્રદાયોના સંત-મહંત-મૌલવી-પાદરી વગેરે સાથે વિશદ ચર્ચા-વિચારણા કરી હતી. મુખ્યમંત્રીએ ભારત સરકારની ગાઈડલાઈન અને રાજ્ય સરકારના દિશા-નિર્દેશોના પાલન સાથે માત્ર દર્શન માટે ધર્મ-સ્થાનો ખૂલશે તેમ જણાવતા ઉમેર્યું હતું કે, આ માટે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ફરજિયાત માસ્ક આવશ્યક રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ધર્મસ્થાનકો- મંદિર-મસ્જિદ વગેરે કોરોના વાયરસના વ્યાપ વધારતા પ્લેસીસ ન બને તેની સતર્કતા સૌએ રાખવી પડશે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારત સરકારની ગાઇડલાઇન્સ તથા રાજ્ય સરકારની કેટલીક જોગવાઇઓને આધિન રહીને કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોના દેવસ્થાનોમાં માત્ર દર્શનની છૂટ આપવામાં આવી રહી છે ત્યારે તેના પરિણામે દર્શનાર્થીઓની ભીડભાડથી કોરોના સંક્રમણનો વ્યાપ વધે નહિં તેની તકેદારી સંચાલકો, ટ્રસ્ટોએ અને શ્રદ્ધાળુઓએ રાખવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના મોટા તીર્થયાત્રા સ્થાનોમાં રજીસ્ટ્રેશન કાઉન્ટર શરૂ કરીને યાત્રાળુઓને દર્શન માટેના નિશ્ચિત સમયના ટોકન આપી ફાળવેલ સમય પ્રમાણે જ દર્શનનો લાભ આપવાની વ્યવસ્થા ગોઠવાય તો ભીડભાડ અટકાવી શકાશે અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો પણ જળવાશે. તેમણે ઉમેર્યુ કે જે સંસ્થાઓ સંપ્રદાયોના મંદિરો, દેરાસરો, ઉપાશ્રયો રાજ્યમાં મોટી સંખ્યામાં છે ત્યાં દર્શન વગેરેમાં એકસૂત્રતા જળવાય સાથોસાથ ગાઇડલાઇન્સના નિયમોનું પાલન થાય તે માટે આવી સંસ્થાઓ સ્વયં વ્યવસ્થાઓ બનાવે, કોઇ મોટા ધાર્મિક મેળાવડા કે ઉત્સવો કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિમાં હજુ પણ એક-બે માસ નહીં યોજવાની તેમણે અપીલ કરી હતી.
ધર્મસ્થાનોમાં દર્શનાર્થીઓ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવા, પ્રસાદ કે પવિત્ર જલ વિતરણ-છંટકાવ ન કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તેમજ દરેક દર્શાનાર્થી માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે, મંદિરમાં સેનિટાઇઝની વ્યવસ્થાનું પાલન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
તેમણે ખાસ કરીને વલ્નરેબલ જૂથ એટલે કે ૬પ વર્ષથી વધુ વયના વડીલો, નાના બાળકોને દર્શને ન લઇ જવા પણ જણાવ્યું હતું.