(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩
સમગ્ર વિશ્વમાં કોરોનાના હાહાકારે પડકાર સર્જ્યો છે. વિવિધ દેશ-રાજ્યમાં તે માટેની દવા-રસી શોધવાના પ્રયાસો વચ્ચે ગુજરાતની અગ્રણી ફાર્મા કંપનીએ કોરોના વિરોધી રસી તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે અને તેને લઈને વિશ્વની આ સર્વપ્રથમ DNAકોરોના વિરોધી રસીનું માનવ પર પરીક્ષણ કરવા તરફ સફળ પ્રમાણ કરી રહેલ છે જેને પગલે ૧૦૦૦ જેટલા વ્યક્તિઓ પર આ રસીનું પરીક્ષણ હાથ ધરાશે.
ગુજરાતની અગ્રણી ફાર્મા. કંપની ઝાયડસ કેડીલા દ્વારા કોરોના વાયરસથી બચવાના ઉપાયરૂપે વાયરસ વિરોધી રસી બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં તેઓએ કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીનના જીન્સને એનકોડ કરી રસી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. રાજ્યના ડ્રગ કમિશનરે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, કંપનીએ નોન રેપ્લીકેટીંગ અને નોન-ઈન્ટીગ્રેટીંગ પ્લાસ્મીડની મદદથી આ r-DNA રસી તૈયાર કરી છે. જે અંગેની ટ્રાયલ બેચ બનાવવા ગુજરાતની ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ટેસ્ટ લાયસન્સ આપવામાં આવ્યું છે. રસીનું સફળ પરીક્ષણ જુદા-જુદા પ્રાણીઓમાં કરી કંપની દ્વારા પ્રિ-ક્લિનિકલ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા, દિલ્હી દ્વારા કંપની દ્વારા રજૂ કરેલ સેફ્ટી તથા પરીક્ષણ અંગેના ડેટા સંતોષકારક જણાતા આ રસીને માનવ પરીક્ષણ અર્થે ફેઝ-૧ અને ફેઝ-ર ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપેલ છે.
તેમણે ઉમેર્યું કે, રસીનું પરીક્ષણ ર૮ પ્રકારના ટોકસી સીટી પ્રાણીઓ પર કરાયા છે જેમાં સફળતા મળી છે અને તે રોગપ્રતિકારક હોવાનું પૂરવાર થયેલ છે. રસીની મદદથી ઉત્પન્ન થતી એન્ટીબોડી દ્વારા સૌથી ઘાતક વાયરસને પણ તે નબળો પાડવામાં સક્ષમ હોવાનું જણાયેલ છે. જો આ રસી માનવ પરીક્ષણમાં સંતોષકારક પરિણામ આપે તો નજીકના ભવિષ્યમાં વિશ્વને કોરોના વિરોધી રસી ઉપલબ્ધ થઈ શકશે.