(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૬
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં કોવિડ-૧૯ના સંક્રમણ સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી અને જાણકારી મેળવવા અમદાવાદની મૂલાકાતે આવેલા ભારત સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ લવકુમાર અગ્રવાલ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના કોવિડ-૧૯ના નવા દર્દીઓની સાપેક્ષમાં સારવાર લઇને સાજા થઇ ઘરે પરત જઇ રહેલા વ્યકિતઓની વધતી સંખ્યા અંગે વિસ્તૃત વિગતો આ બેઠકમાં આપી હતી.
ગુજરાતમાં રિકવરી રેટ ૭ર ટકા જેટલો છે. એટલું જ નહિ, એકટીવ પેશન્ટસ કેસોના સાડા ત્રણ ગણાં લોકો સારવાર-સુશ્રુષાથી સાજા સારા થઇ ગયા છે તેની માહિતી કેન્દ્રીય આરોગ્ય સંયુકત સચિવને આ બેઠક દરમ્યાન આપવામાં આવી હતી.
આ સાથે ગુજરાત હવે દેશભરમાં એકટીવ કેસની સંખ્યામાં પાંચમા ક્રમે આવી ગયું છે તે અંગેની જાણકારી પણ આપી હતી.
કેન્દ્રીય સંયુકત સચિવ અગ્રવાલે રાજ્ય સરકારે અનલોક-૧ ની સ્થિતિમાં કોરોના સંક્રમણનો વ્યાપ ફેલાતો અટકાવવા લીધેલા આરોગ્યલક્ષી પગલાંઓ, સઘન સર્વેલન્સ અને કલીનીકલ ટ્રીટમેન્ટની જે વ્યવસ્થાઓ ગોઠવી છે તેની વિગતો મુખ્યમંત્રી પાસેથી જાણીને સંતોષ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીએ લવકુમાર અગ્રવાલને સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડનું નિરીક્ષણ કરાવીને ત્યાં સારવાર લઈ રહેલા સંક્રમિત દર્દીઓની સારવારની ઝીણવટભરી જાણકારી આપી હતી.
આ સાથે દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો તેમજ પેરા મેડિકલ સ્ટાફની કામગીરી અંગે પણ સી.એમ. ડેશબોર્ડની વીડિયો વોલ મારફતે તેમને નિરીક્ષણ મુલાકાત કરાવી હતી.