(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧
ગુજરાત વિધાનસભાની ચંૂટણીમાં બંને તબક્કાની બેઠકો માટેના ઉમેદવારો ઉમેદવારીપત્રો ખેંચાયા બાદ ફાઈનલ થઈ ગયા છે અને તેઓ દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી જારી છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા પણ ચૂંટણી અંગેની તૈયારીઓ વ્યવસ્થા વગેરે યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. કેન્દ્રિય ચૂંટણી પંચ ટીમ ચૂંટણી તૈયારીઓની સમીક્ષા સહિતની કામગીરી અર્થે ફરી એકવાર બે દિવસ માટે રાજ્યના પ્રવાસે આવી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતિની આગેવાની હેઠળની આ ટીમ આવતીકાલે આવી પહોંચશે.
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે અને હવે પ્રથમ તબક્કાની ચૂંટણી સાવ નજીક છે. પ્રથમ તબક્કાનું મતદાન ૯ તારીખના રોજ થવાનું છે ત્યારે ભારતના ચૂંટણી કમિશનર એ.કે. જાતિ પોતાની ટીમ સાથે ગુજરાતની મુલાકાત લેનાર છે. જે અંતર્ગત આવતીકાલથી બે દિવસ માટે એટલે કે બીજી તથા ત્રીજી ડિસેમ્બરના રોજ ૧૦ લોકોની ટુકડી ગુજરાત ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. તેમજ તેમના પ્રાથમિક કાર્યક્રમ પ્રમાણે તેઓ શનિવારે સવારે ૧૧.૩૦ કલાકે એનેક્ષી ખાતે વિવિધ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી તેઓની રજૂઆત સાંભળશે. ચૂંટણી પંચની ટીમ શનિવારે બપોરે ર.૩૦ વાગે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જિલ્લા પોલીસ વડા તેમજ દરેક જિલ્લાના કલેક્ટરો સાથે પણ એક મુલાકાત યોજી તૈયારીઓની વિગતો મેળવશે. તે દરમિયાન ચૂંટણીપંચના નિર્દેશ અનુસાર ગુજરાતના નવા ડીજીપી અંગે પણ નિર્ણય લેવાઈ જતા હવે ૩ ડિસેમ્બરના રોજ ચૂંટણીપંચની ટીમ મુખ્ય ચૂંટણી અધિકારી તથા રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી તેમજ ગૃહવિભાગના ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરી તમામ આખરી તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરશે. કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે પણ બેઠકો યોજાશે. ટીમ દિલ્હી માટે વિદાય લેતા પહેલાં એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરે તેવી શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરાઈ છે.