(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળને ચાર વર્ષ વિત્યા છતાં તાપી નદીમાં પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે નક્કર પગલાં ભરવામાં નહીં આવતા કેન્દ્રીય જળશક્તિ પ્રધાને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. કેન્દ્રીય મંત્રીના પત્ર પછી સફાળી જાગેલી ભાજપ સરકારે નવેસરથી યોજના તૈયાર કરી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તાપી નદીને શુદ્ધ કરવા માટે મંજૂર કરાયેલા ૯૭૧.૨૫ કરોડમાંથી માર્ચ ૨૦૧૯માં પહેલાં તબક્કામાં ૧૩ કરોડ ફાળવાયા હતા. આ પ્રોજેક્ટમાં ૬૦ ટકા રકમ કેન્દ્ર અને ૪૦ ટકા રકમ રાજ્ય સરકાર ફાળવશે. રોજ ૨૫૦ મિલિયન લિટરની ક્ષમતાનાં ૩૯ સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવા સરકારે મનપાને માત્ર ૮ કરોડ જ ફાળવ્યા છે બાકીના ૫ કરોડ માટે પાલિકા કાગડોળે રાહ જોઈ રહી છે. સુરતમાં સુઅરેજનું પાણી નદીમાં ન ઠલવાય તે માટે કોઝવેના ઉપરવાસમાં કેટલૂક કામ કરવામાં આવ્યું છે પરંતુ હજી હેઠવાસમાં કોઈ પ્રગતિ થઈ નથી. સુરતની તાપી અને અમદાવાદની સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત કરવાનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ માટે કેન્દ્રના જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ગુજરાત સરકારને પત્ર લખ્યો છે. ગંગા બેઝિન સિવાયની અન્ય નદીઓને પ્રદૂષણ મુક્ત કરીને સ્વચ્છ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ ગુજરાત સરકારનું ભંડોળ મંજૂર કર્યું હતું. ઉપરાંત સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાળાએ કોઝવેના ઉપરવાસમાંથી જળકુંભી કાઢવાનું નાટક કર્યું હતું. પરંતુ પરિસ્થિતિ યથાવત્‌ છે. ગણપતિ સહિત અનેક મૂર્તિઓના તાપી નદીમાં વિસર્જનથી પ્રદૂષણની માત્રામાં અનેકગણો વધારો થાય છે. છતાં હજુ સુધી તાપીમાં વિસર્જનની પ્રક્રિયા પર સંપૂર્ણ બ્રેક મારી શકાયું નથી એ સુરત માટે કમનસીબી છે.