(એજન્સી) નવી દિલ્હી, તા.૧
ગેસ અને પેટ્રોલિયમના ભાવો ભડકે બળે છે તેવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીની સરકાર તેને નિયંત્રિત કરવામાં નિષ્ફળ જતાં ચારેબાજુથી ભારે ટીકાનો ભોગ બની છે. વિશ્વ બજારમાં ક્રૂડના ભાવો ઘટતા જાય છે તો બીજી તરફ ભારતમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધતા જાય છે. ર૦૧૪માં તત્કાલીન યુપીએની મનમોહન સરકાર આવી જ સ્થિતિનો સામનો કરી રહી હતી તે સમયે હાલના કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સરકારની સખ્ત ટીકા કરી હતી. જે વીડિયો આજે પુનઃ વાયરલ થયો છે. તે સમયે જાવડેકરે કહ્યું હતું કે, વિશ્વમાં ક્રૂડના ભાવો ઘટે છે જ્યારે ભારતમાં વધી રહ્યા છે. પેટ્રોલના ભાવો વધારવા પાછળ સરકારનો કોઈ આધાર નથી. જાવડેકરે સરકારને પડકાર ફેંકયો હતો કે પેટ્રોલ ૩૪ રૂપિયે દિલ્હી અને ૩૬ રૂપિયા મુંબઈમાં વેચી શકાય છે તો શા માટે બમણા ભાવ લેવાય છે ? આ એક લૂંટ છે. ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ. હાલમાં લોકો પેટ્રોલના ભાવ વધારાથી પીસાઈ રહ્યા છે. ૧૪ મે પછી ૧૬ વાર પેટ્રોલના ભાવ વધાર્યા હતા. જેમાં પેટ્રોલ લીટરે રૂા.૩.૮ અને ડીઝલ લીટરે ૩.૩૮નો વધારો કરાયો હતો.