(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે જનતા અને ભાજપને લઇ એક વીડિયો સંદેશ શેર કર્યો છે. આ દરમિયાન તેમણે કોરોના વાયરસ મહામારીને કારણે દેશમાં પડકારોનો સામનો કરનારા તમામ લોકોને સંદેશ આપ્યો હતો. તેમણે પ્રવાસી શ્રમિકોને લઇ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે, મારા પ્રિય ભાઇઓ અને બહેનો, પાછલા બે મહિનાથી સમગ્ર દેશ કોરોના મહામારીના પડકારો તથા લોકડાઉનને પગલે રોટી-રોજીના ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. દેશની આઝાદી બાદ પ્રથમવાર દર્દની એ સ્થિતિ બધાએ જોઇ જેમાં લાખો મજૂરો ઉઘાડા પગે, ભૂખ્યા-તરસ્યા, દવાઓ અને સાધનો વિના સેંકડો-હજારો કિલોમીટર સુધી ચાલતા જ ઘરે પરત જવા માટે મજબૂર થઇ ગયા છે. તેમું દુઃખ, પીડા અને ચીચીયારીઓ આખા દેશે સાંભળી પરંતુ કદાચ સરકારે સાંભળી નહીં. સોનિયા ગાંધીએ કહ્યું કે, કરોડો રોજગાર જતા રહ્યા, લાખો લોકોના ધંધા ઠપ થઇ ગયા, કારખાના બંધ થઇ ગયા, ખેડૂતોએ પાક વેચવા માટે દર-દર ભટકવું પડ્યું. આ પીડા આખા દેશે ઝીલી પરંતુ કદાચ સરકારને તેનો અંદાજો નથી. પ્રથમ દિવસથી જ મારા તમામ કોંગ્રેસના સાથીઓએ, અર્થશાસ્ત્રીઓએ, સમાજ શાસ્ત્રીઓએ અને સમાજના દરેક અગ્રણી વ્યક્તિએ વારંવાર સરકારને કહ્યું કે આ સમય આગળ આવીને ઘા પર મલમ લગાવાનો છે. મજૂર હોય, ખેડૂત હોય, ઉદ્યોગ હોય, નાના દુકાનદાર હોય, સરકારે તમામની મદદ કરવાની હોય પરંતુ કેમ જાણે સરકાર આ વાત સમજવા અને લાગુ કરવા માગતી નથી. સોનિયા ગાંધીએ કહ્યું કે દેશ એક ભયાનક સ્થિતિ જોઈ રહ્યુ છે જ્યાં કોવિડ-૧૯ વચ્ચે ઘરે જવા માટે પ્રવાસી મજૂર સેંકડો કિલોમીટરનો પ્રવાસ પગપાળા જવું પડી રહ્યું છે તો આમાંથી ઘણા ઉઘાડા પગે પ્રવાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે અત્યાર સુધી લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે જે ૩૧ મે, ૨૦૨૦ ના રોજ સમાપ્ત થશે. ભાજપની સાથે સાથે મોદી સરકારને પણ નિશાન પર લઈને સોનિયા ગાંધીએ કહ્યું કે, પ્રવાસીઓની પીડા, તેમનો ડર આખા દેશે સાંભળ્યો પરંતુ કદાચ સરકારને સંભળાયો નહિ. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીએ ગુરુવારે પ્રવાસી મજૂરો માટે એક વીડિયો સંદેશ જારી કર્યો જેમાં તેમણે ભાજપ અને કેન્દ્ર સરકારને નિશાના પર લીધું છે. સોનિયા ગાંધીનો આ મેસેજ કેન્દ્ર સરકાર સમક્ષ ગરીબો, પ્રવાસીઓ, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકોનો અવાજ ઉઠાવવામાં મદદ કરવા માટે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્પીકઅપ અભિયાનનો એક ભાગ છે.

ભારતની માતાની આંખમાં આજે આંસુ છે અને મોદી
ચૂપ : પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર હુમલો કરતા કહ્યુ હતુ કે, ભારત માતાની આંખમાં આજે આંસુ છે અને પીએમ મોદી ચૂપ છે. આજે ગરીબ મજૂરો મુશ્કેલીમાં છે ત્યારે સરકાર તેમની મદદ કરી રહી નથી. આપણા તમામની ફરજ છે કે, સાથે મળીને હવે જરુરિયાતમંદોની મદદ માટે અવાજ ઉઠાવીએ.