(એજન્સી) લખનૌ, તા.૬
કેન્દ્ર સરકાર દ્વારા ટ્રિપલ તલાક કાયદાના ડ્રાફ્ટને ઉત્તરપ્રદેશ સરકારે મંજૂરી આપી છે. ટ્રિપલ તલાક હેઠળ મુસ્લિમ વ્યક્તિ પોતાની પત્નીને ત્રણ વખત તલાકનું ઉચ્ચારણ કરી છૂટાછેડા આપી શકતો હતો. પ્રસ્તાવિત કાયદાના ડ્રાફ્ટમાં આ પ્રક્રિયાને ગુનો ગણી ત્રણ વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રના કાયદાના ડ્રાફ્ટને રાજ્ય સરકારની કેબિનેટમાં પસાર કરાયો હતો. કેબિનેટની બેઠક મુખ્યમંત્રી યોગીની આગેવાની હેઠળ મંગળવારે સાંજે યોજાઈ હતી. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કાયદાનો ડ્રાફ્ટ મોકલી ૧૦મી ડિસેમ્બર સુધી રાજ્યોનો અભિપ્રાય માંગ્યો છે. સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંઘે આ માહિતી આપી હતી.
કાયદાના ડ્રાફ્ટ મુજબ ટ્રિપલ તલાક અથવા તલાક-એ-બિદ્ધતને કોગ્નીઝેબલ અને બિનજામીન પાત્ર ગુનો ગણવામાં આવશે. જેમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે અને પત્ની પોતાના માટે ભરણપોષણ મેળવવા હકદાર રહેશે. વધુમાં સગીર બાળક હોય તો એ બાળકોની કસ્ટડીની પણ હકદાર રહેશે. રરમી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે મુસ્લિમોમાં ચાલી આવતી ટ્રિપલ તલાકની પ્રથાને રદ કરવા ઠરાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ પ્રથા બંધારણના અનુચ્છેદ ૧૪નો ભંગ છે, જે હેઠળ સમાનતાનો અધિકાર અપાયેલ છે.