વિદ્યાર્થીઓની જવાબદારીમાંથી સરકારે હાથ ખંખેર્યાના મુદ્દે ઊહાપોહ થતાં સ્પષ્ટતા
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૨
રાજ્યમાં તા.૨૩મીથી શાળા-કોલેજો શરૂ કરવાની ગતરોજ થયેલ જાહેરાતમાં વાલીઓને માથે બાળકોની જવાબદારી નાંખી સરકાર તથા સંચાલકોએ હાથ ખંખેરી નાંખ્યાના આક્ષેપો અને ઉહાપોહ થતાં આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વાલીઓ પાસે સંમતિપત્રક લેવાની બાબત કેન્દ્ર સરકારની ગાઈડલાઈન એસઓપી અનુસાર રાખવામાં આવી છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની સલામતી-સ્વાસ્થ્ય સુરક્ષા અંગે કોઈ બાંધછોડ કરવા કે જવાબદારીમાંથી છટકવા માંગતી નથી તેમ તેમણે વધુમાં જણાવ્યુું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં શાળાઓ તા.ર૩મી નવેમ્બરથી શરૂ થાય ત્યારે વિદ્યાર્થીના શાળામાં આવવા અંગેની સંમતિ-મંજૂરી માતા-પિતા કે વાલી પાસેથી લેવાની બાબત ભારત સરકારની માર્ગદર્શિકા એસઓપી અનુસાર જ રાખવામાં આવી છે. આ સંદર્ભમાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ભારત સરકારે શાળા-કોલેજો પૂર્વવત શરૂ કરતી વેળાએ વિદ્યાર્થીને શાળામાં મોકલવા અંગેની અનુમતિ તેના માતા-પિતા કે વાલી પાસેથી મેળવવા તમામ રાજ્યો માટે જારી કરેલી એસઓપીમાં જ દર્શાવેલું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર વિદ્યાર્થીની સલામતી-આરોગ્યરક્ષા અંગે કોઇ બાંધછોડ કરવા માંગતી નથી કે જવાબદારીમાંથી છટકવા પણ માંગતી નથી. સમગ્ર દેશમાં જ્યારે ભારત સરકારે શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટે જાહેર કરેલી એસઓપીનો અમલ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે પણ તેને અનુસરવાનો નિર્ણય કરેલો છે, તેમ તેમણે ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીના સ્વાસ્થ્યની રક્ષા તેમજ શિક્ષણ બાબતે સરકાર, શાળા સંચાલકો, સમાજ, માતા-પિતા વાલી સૌ જવાબદાર છે. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે તેવી ગેરસમજ દૂર થાય તે પણ જરૂરી છે. તેમણે કહ્યું કે, શાળા-કોલેજો ફરીથી કાર્યરત કરવાના નિર્ણયો ગુજરાત સિવાયના અન્ય રાજ્યોએ તો સપ્ટેમ્બર-ઓકટોબર મહિનાથી જ કરેલા છે. તેમણે જણાવ્યું કે, વિવિધ રાજ્ય સરકારોના શિક્ષણ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને જ ગુજરાત સરકારે યોગ્ય નિર્ણય કરેલો છે. શિક્ષણ મંત્રીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોએ ગુજરાતથી પહેલાં પોતપોતાના રાજ્યોમાં ધોરણ ૯થી ૧રના વર્ગો ફરી શરૂ કરેલા છે. ગુજરાતે આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ તેમજ ગહન પરામર્શ બેઠકો બાદ વિદ્યાર્થીઓના આરોગ્ય હિતને અહેમિયત આપીને ભારત સરકારની એસઓપીના નિયમોના અનુપાલન સાથે આગામી તા.ર૩ નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
Recent Comments