વીજચોરીનું કરોડોનું નુકસાન અટકાવવા સરકારી ચાર વીજ કંપનીમાં થશે લાગુ

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૮

રાજ્યભરમાં વીજ ચોરી માથાનો દુઃખાવારૂપ છે. સરકાર સહિતની વીજ કંપનીઓ વીજ ચોરી અટકાવવા નીતનવા આયોજનો કરે છે. પરંતુ વીજ ચોરો નવા-નવા નુસ્ખા અપનાવી વીજ ચોરી કરવાનું જારી રાખતા આ પડકાર જેમનો તેમ ઊભો છે. ત્યારે રાજ્ય સરકાર હવે વીજ ચોરીને ડામવા ફરી વધુ એક આયોજન માટેની તૈયારી કરી રહી છે. વીજ ચોરીને લઈ સરકારને થઈ રહેલા કરોડોના નુકસાન મુદ્દે સૌપ્રથમ સરકારી ચાર વીજ કંપનીમાં વીજ ચોરી સામે કડક આયોજન હાથ ધરાનાર છે.

રાજ્યમાં વીજ ચોરીના સંખ્યાબદ્ધ બનાવોની ફરિયાદો ઉઠતી રહે છે અને આ વર્ષે વીજ ચોરીને કારણે દર વર્ષ રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે ત્યારે વીજ ચોરીને અટકાવવા હવે રાજ્ય સરકાર કેન્દ્રની એક નવી યોજનાનો અમલ કરવાનું વિચારી રહી છે. આ યોજનાને લઈને ગુજરાત સરકારે તૈયારી પણ દર્શાવી છે. હવે એક યુનિટની પણ વીજ ચોરી થશે તો વીજ ચોરીની જગ્યાના લોકેશન સહિતની માહિતી કંપનીને તાત્કાલિક માલૂમ પડી જશે અને તેને લઈને તરત જ એક્શન લેવામાં આવશેે.

રાજ્યમાં અવાર નવાર વીજ ચોરીની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈ વીજ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાતા તેમની ઉપર હુમલા થવાના કિસ્સા પણ બનતા રહે છે, આવા બનાવોને લઈને રાજ્ય સરકાર વીજ ચોરીને ડામવા એક નવી યોજનાનો અમલ કરવા જઈ રહી છે. કેન્દ્રની  સ્કાડા નામની આ યોજના હવે ગુજરાતમાં પણ અમલી બનશે, જેના માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્કાડા નામની આ યોજના સરકારના ઉર્જા વિભાગની ૪ કંપનીમાં લાગુ થશે, આ યોજના અંતર્ગત તમામ વીજ મીટર બદલાશે જે બાદ એક યુનિટ વીજ ચોરી થશે તો પણ તરત જ પકડાઈ જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ યોજના ગુજરાતમાં લાગુ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ૨ લાખ ૩૨ હજાર કરોડની આ યોજના તૈયાર કરાઈ છે. જે ગુજરાતમાં લાગુ થતા તમામ મીટરનું મોનિટરિંગ કરાશે એટલું જ નહીં પાવર સ્ટોરેજથી લઈને સપ્લાય સુધીની માહિતી વીજ કંપનીઓને મળી રહેશે અને જે જગ્યાએ વીજ ચોરી થશે તેની સીધી જાણ વીજ કંપનીઓને થશે જેમાં વીજ ચોરીની જગ્યાનું લોકેશન સહિતની માહિતી વીજ કંપનીને તરત જ માલૂમ પડી જશે, વીજ ચોરીના કારણે ગુજરાત સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતુ હોય છે. જેને લઈ સરકાર દ્વારા આ નવી યોજનાનો ટૂંક સમયમાં અમલ કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો હોવાની વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.