(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ રાષ્ટ્રીય મંચ નામના એક ફોરમની સ્થાપના કરી છે જે સરકાર દ્વારા અવગણના કરાઈ રહેલા રાષ્ટ્રીય મુદ્દાઓને પ્રકાશમાં લાવશે. પક્ષની લાઈનથી વિપરીત યશવંત સિંહાએ વિવિધ રાજકીય નેતાઓ સાથે રાષ્ટ્રીય મંચના બેનર હેઠળ એક મંચ બનાવ્યો છે. જે વેરવિખેર વિપક્ષોની એકતા માટે નવી દિશા દેખાય છે. આ મંચમાં કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ખેડૂત નેતાઓએ ભેગા મળી બિનરાજકીય સંગઠન બનાવી રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે ચિંતન કરવાનો નિર્ણય કર્યો છે.
યશવંત સિંહા મંગળવારે મહાત્મા ગાંધીની સમાધિ પર ગયા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ તેમણે સંવિધાન કલબમાં બિનરાજકીય મંચની જાહેરાત કરી દેશની સળગતી સમસ્યાઓને જનતા સુધી લઈ જવાનો હેતુ છે. મંચને રાજકીય પક્ષ કદી બનવા નહીં દેવાય.
આ પ્રસંગે પૂર્વ કોંગ્રેસ મંત્રી રેણુકા ચૌધરી, ટીએમસી નેતા દિનેશ ત્રિવેદી, શત્રુઘ્ન સિંહા, પત્રકાર આશુતોષ, એનસીપીના મજીદ મેમણ, લોકદળ જયંત ચૌધરી, સપા નેતા ઘનશ્યામ તિવારી અને આપ નેતા સંજયસિંગ ઉપસ્થિત રહ્યા હતા. આંદોલન સાથે જોડાયેલ પૂર્વ રાજનેતા કે.સી.સિંહ, કિસાન નેતા શિવકુમારસિંહ ઉર્ફે કક્કા, મહારાષ્ટ્રના કિસાન નેતા પ્રશાંત બવાંડે, શંકર અન્ના, પ્રો.દીપક ઘોટે વિગેરેનો પરિચય કરાવાયો હતો. ૧ ફેબ્રુઆરીએ સંકટગ્રસ્ત મધ્યપ્રદેશના ખેડૂતો માટે નરસિંહપુરમાં આંદોલન કરશે.
તેમણે કહ્યું કે તેઓ વિચારધારાથી જોડાયેલા છે રાજકીય પક્ષોના સભ્યો તરીકે નહીં. દેશમાં જે સ્થિતિ બની છે તે માટે મંચમાં જોડાયેલ લોકોના મન સમાનરૂપથી ચિંતાગ્રસ્ત છે. પ્રજાતંત્ર અને પ્રજાતાંત્રિક સંસ્થાઓનું હરણ થઈ રહ્યું છે. સંસદ, સુપ્રીમકોર્ટ, મીડિયા તમામ તેના ભયની છાયા હેઠળ છે. આજે સાચું બોલવું ઈશનિંદા કરવા સમાન બની ગયું છે. સરકારને લાગે છે કે, પ્રોપગન્ડા કરવાથી બધુ થઈ જાય છે પરંતુ સાચા આંકડા આદેશ બાદ જ તૈયાર કરાય છે. તેમણે કહ્યું કે દેશને આઝાદ થયે ૭૦ વર્ષ થયા. પરંતુ આજે પણ એ જ સમસ્યાઓ છે. જો નહીં બોલીએ તો ગાંધી બલિદાન વ્યર્થ જશે. સરકાર સંસદનું અપમાન કરી રહી છે. બજેટ પછી ૯ દિવસનું કામ ૪ દિવસમાં આટોપી લેવાશે. સંવેદનશીલ મુદ્દાઓ પસંદગીના જજોને સોંપાય છે. તેવો સુુપ્રીમકોર્ટના જજોનો આરોપ હતો. તપાસ એજન્સીઓનો દુરૂપયોગ રાજનૈતિક વિરોધીઓનો અવાજ દબાવવા કરાય છે. ડાબેરીઓ માટે તેમણે મંચમાં પ્રવેશ ખુલ્લો હોવાનું જણાવ્યું હતું.
વિદેશી નીતિ અંગે સિંહાએ કહ્યું કે ભારતનો જૂનો મિત્ર દેશ રશિયા પણ ભારતથી દૂર ગયો છે. ડાબેરી પક્ષો મંચથી બહાર રહ્યા હતા. ડાબેરી નેતાઓ કોંગ્રેસ સાથે હાથ મિલાવી ભાજપનો સામનો કરવા બાબતે વિરોધાભાસી વિચારોમાં અટાવાયા છે. સિંહાએ કહ્યું કે ભાજપમાં દરેક વ્યક્તિ ભયનો માહોલ વચ્ચે જીવે છે અમે નહીં જીવીએ. ચર્ચા અને સંવાદ દેશમાં એકતરફી બનતા ખતરાની નિશાની બતાવે છે. ગયા મહિને સિંહાએ મોદી સરકારની આર્થિક નીતિની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપમાં આ સ્થિતિથી બધા વાકેફ છે પણ ડરે છે. નોટબંધીએ વિનાશ નોતર્યો છે. જીએસટીના ખોટા અમલીકરણથી ખરાબ અસર પડી છે. ખેડૂતોનું સ્થાન મોદીએ ભિખારી જેવું બનાવી દીધું છે.