(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
દિલ્હીમાં કોરોનાનાં વધતા પ્રકોપ બાદ ગૃહમંત્રાલય એક્શનમાં આવી ગયું છે. કેન્દ્રએ રાજ્યમાં ખાનગી હૉસ્પિટલોમાં કોરોનાની સારવાર સસ્તી કરી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહે નીતિ આયોગનાં સભ્ય વીકે પૉલનાં નેતૃત્વમાં એક આયોગનું ગઠન કર્યું હતુ જેણે દિલ્હીની ખાનગી હૉસ્પિટલોમાં આઇસોલેશન બેડ, વગર વેન્ટિલેટર સપોર્ટ સાથે આઇસીયુ અને વેન્ટિલેટર સપોર્ટનાં આઇસીયુમાં કોરોનાની સારવાર સસ્તી કરવાની હતી. રિપોર્ટ અનુસાર ગૃહ મંત્રાલયે કમિટીની ભલામણ માની લીધી છે. કમિટીએ પીપીઈ કિટની સાથે આઇસોલેશન બેડ માટે ૮,૦૦૦-૧૦,૦૦૦, વેન્ટિલેટર વગર આઇસીયુ બેડનો ચાર્જ ૧૩-૧૫ હજાર હશે. જણાવી દઇએ કે પહેલા ખાનગી હૉસ્પિટલોમાં આઇસોલેશન બેડનો ચાર્જ ૨૪-૨૫ હજાર રૂપિયા હતો. તો આઇસીયુ બેડનો ચાર્જ ૩૪-૪૩ હજારની વચ્ચે, જ્યારે આઇસીયુ વેન્ટિલેટર સાથે ૪૪-૪૫ હજાર રૂપિયા હતો. આ ચાર્જ પીપીઈ કિટને છોડીને લાગતા હતા. ગૃહમંત્રાલયે આ દરમિયાન જણાવ્યું કે દિલ્હીમાં કોરોનાની ટેસ્ટિંગ બમણી થઈ ગઈ છે. ગૃહમંત્રી શાહે કેટલાક દિવસ પહેલા કહ્યું હતુ કે દિલ્હીમાં જ ત્રણ ગણા કોરોના ટેસ્ટિંગ થશે. દિલ્હીમાં ૧૫-૧૭ જૂનની વચ્ચે કુલ ૨૭,૨૬૩ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ પહેલા આ આંકડો ૪-૫ હજારની વચ્ચે હતો. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રાલયે ખાનગી હૉસ્પિટલમાં કોરોના સારવારની ફી ફિક્સ કરવા માટે નીતિ આયોગનાં સભ્ય ડૉક્ટર વીકે પૉલ કમિટી બનાવી હતી.
આ કમિટીએ આજે ગૃહમંત્રાલયને પોતાની રિપોર્ટ સોંપી છે. રિપોર્ટમાં વર્તમાન રેટને બે તૃતિયાંશ ઓછો કરવાની ભલામણ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ગૃહમંત્રાલયે આ રિપોર્ટને માની લીધો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાનાં ૪૯,૯૭૯ દર્દીઓ છે. આ જીવલેણ બીમારીથી અત્યાર સુધી અહીં ૧,૯૬૯ લોકોનાં મોત થયા છે.