(એજન્સી) તા.૨૫
જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે ૩ મે સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન આપવામાં આવ્યું છે. જેમાં આજે કેટલીક છૂટ આપવામાં આવી છે, ત્યારે ગૃહ મંત્રાલયે દુકાનો ખોલવાના આદેશને લઈને સ્પષ્ટીકરણ કર્યું છે. ગૃહમંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રેસ રીલિઝમાં જણાવાયું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં શૉપિંગ મૉલની દુકાનો છોડીને તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં આવેલી દુકાનોનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ગૃહમંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, લૉકડાઉનમાં છૂટ છતાં દારૂની દુકાનો બંધ જ રહેશે. આ ઉપરાંત માર્કેટમાં આવેલી દુકાનો અને શૉપિંગ મૉલમાં આવેલી દુકાનો નહીં ખોલી શકાય. આ ઉપરાંત સ્પષ્ટ કર્યું છે કે, ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા માત્ર જીવન જરૂરી વસ્તુઓનું વેચાણ જ થઈ શકશે.
– માત્ર ૫૦ ટકા કર્મચારીઓ જ દુકાનમાં કામ કરી શકશે
– તમામ કર્મચારીઓને માસ્ક પહેરવું ફરજિયાત
– સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્તપાલન કરવાનું રહેશે
– તમામ દુકાનો રાજ્ય/કેન્દ્રશાસિતપ્રદેશો અંતર્ગત રજિસ્ટર્ડ હોવા જોઈએ. નવી ગાઈડલાઈન પ્રમાણે રજિસ્ટર્ડ દુકાનોને જ ખોલવાની મંજૂરી મળશે. હાલ ગરમીની સિઝન છે, એવામાં લોકો પંખા અને કુલર સહિતની અન્ય સામાન સરળતાથી ખરીદી શકે છે. જો કે કોરોના હોટસ્પોટ વિસ્તારમાં દુકાનો બંધ જ રહેશે. ગ્રાહક હવે રોજબરોજ ઉપરાંત બિનજરૂરી સામાન પણ ખરીદી શકે છે, પરંતુ તે શૉપિંગ મૉલ કે શૉપિંગ કોમ્પલેક્સમાંથી સામાન નહીં ખરીદી શકે. ગ્રાહકે સામાન ખરીદવા માટે નાની દુકાનોમાં જ જવું પડશે.
– અનેક લોકોને વાળ કપાવવા કે ગ્રુમિંગમાં મુશ્કેલી થઈ રહી હતી. હવે આવા લોકોને આજથી રાહત મળવા જઈ રહી છે. નવી ગાઈડલાઈન પ્રમાણે નૉન હોટસ્પોટ વિસ્તારમાં સલૂન અને બ્યૂટી પાર્લર ખોલી શકાશે.
– જે લોકો ખાવા-પીવાના શોખિન છે અને મૉલમાં જવું પસંદ કરે છે, તેમને હજુ થોડી રાહ જોવી પડશે કારણ કે કોર્પોરેશનનની હદમાં આવતા સિનેમા હૉલ, શૉપિંગ કોમ્પલેક્સ, જિમ, સ્પોટ્‌ર્સ કોમ્પલેક્સ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર અને બાર બંધ રહેશે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે નિગમ ક્ષેત્રની બહારના વિસ્તારમાં સ્થિત બજારની દુકાનોને ખોલવાની પરવાનગી આપી હતી. ગૃહ મંત્રાલયે આદેશ જાહેર કર્યો છે કે તમામ સબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જરૂરી સાવધાનિયોને ધ્યાનમાં રાખતા ૫૦ ટકા કાર્યબળ સાથે દુકાન ખોલી શકાય છે. ગૃહ મંત્રાલયનો આ આદેશ અંગ્રેજીમાં હતો જેમાં કાયદાકીય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે લોકોને આ ગાઇડલાઇન્સ બરાબર સમજમાં નથી આવી રહી અને દુકાન ખોલવા પર શહેરથી લઇને ગામ સુધીના લોકો અસમંજસમાં હતા.