માનવ સંસાધન વિકાસ મંત્રાલય’નું નામ બદલીને ‘શિક્ષણ મંત્રાલય’ કરાયું

વર્તમાન ૧૦+૨નું આખું માળખું રદ કરાયું અને તેના સ્થાને  ૫+૩+૩+૪નું

નવું માળખું દાખલ કરાયું : વાણિજ્ય અને વિનયનના સામાન્ય પ્રવાહમાં અને વિજ્ઞાન પ્રવાહમાં હવે કોઇ આકરા નિયમો નહીં હોય : વિદ્યાર્થી હવે પોતાની ઇચ્છા મુજબનો પ્રવાહ અને અભ્યાસક્રમ પસંદ કરી શકશે :  નવી શિક્ષણ નીતિ ગોખણપટ્ટીના સ્થાને કૌશલ્ય આધારિત અને રોજગારલક્ષી હશે : વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષામાં શિક્ષણ લેવાની તક અપાઇ

 

(એજન્સી)                                        તા.ર૯

કેન્દ્રિય કેબિનેટની આજે મળેલી બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. મોદી સરકારે છેલ્લા ૩૪ વર્ષથી ચાલી આવતી દેશની શિક્ષણ પદ્ધતિમાં ધરખમ ફેરફારો કર્યા હતા. તે સાથે કેબિનેટમાં હાલના માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય રાખવાનો પણ નિર્ણય લેવાયો હતો.  નવી શિક્ષણ નીતિમાં શાળાકીય શિક્ષણમાં અમલી વર્તમાન ૧૦+૨ના માળખાને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાયું છે અથાર્ત સરકારે શાળાકીય શિક્ષણમાં અમલી હાલની પ્રિ-નર્સરીથી માંડીને ધો. ૧૨ સુધીની સિસ્ટમમાં ધરખમ ફેરફારો કરીને શાળાકીય શિક્ષણને ચાર વિભાગોમાં એટલે કે ૫+૩+૩+૪ વિભાજીત કરી દીધું છે, અર્થાત પહેલાં ૫ વર્ષમાં પ્રિ-નર્સરી,નર્સરી, કે.જી, ધો.-૧ અને ધો.-૨નો સમાવેશ થશે જેને ફાઉન્ડેશન સ્ટેજ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદના ૩ વર્ષમાં ધો.-૩, ધો.-૪ અને ધો.-૫નો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદના ૩ વર્ષમાં ધો.-૬, ધો.-૭ અને ધો.-૮નો સમાવેશ કરાયો છે જેને મધ્ય ચરણ તરીકે ઓળખવામાં આવશે, બાકીના છેલ્લા ૪ વર્ષ એટલે કે ધો.-૯ થી ધો.-૧૨નું શિક્ષણ માધ્યમિક શાળાનું શિક્ષણ કહેવાશે. તે ઉપરાંત નવી શિક્ષણ નીતિમાં વાણિજ્ય અને વિનયન શાખાના બનેલા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કોઇ આકરી શરતો કે નિયમો લાગુ પાડવામાં આવશે નહીં. વિદ્યાર્થી હવે પોતાની યથાશક્તિ કોઇપણ પ્રવાહમાં અને કોઇપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષામાં જ અભ્યાસ કરવાની ઉજળી તક આપવામાં આવી છે. નવી શિક્ષણ નીતિમાં વર્તમાન એમ.ફીલના અભ્યાસક્રમને સંપૂણ રીતે બંધ કરી દેવાયો છે. તે ઉપરાંત બોર્ડની પરીક્ષાઓ અંગે પણ આ નીતિમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે તે મુજબ બોર્ડની પરીક્ષાઓનું મહત્વ જ ઘટાડી દેવાયું છે, કેમ કે હવેથી બોર્ડની પરીક્ષાઓમાં ગોખણપટ્ટીને સંપૂર્ણ તિલાંજલી આપવામાં આવી છે અને તેના સ્થાને વિદ્યાર્થીના જ્ઞાન અને કૌશલ્ય આધારિત કસોટીને સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત અમલમાં આવનારા નવા અભ્યાસક્રમો પણ હાલની રોજગારની સ્થિતિને ધ્યાનમાં લઇને તૈયાર કરાયા હોઇ આ શિક્ષણનીતિ મહદઅંશે રોજગારલક્ષી રહેશે.

નવી શિક્ષણ નીતિના મહત્વના મુદ્દા

  • વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રૌઢ શિક્ષણ માટે નવેસરથી અભ્યાસક્રમ અમલમાં આવશે
  • બોર્ડની પરીક્ષાઓમાં ગોખણપટ્ટીના સ્થાને વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યની કસોટી થશે
  • ધો. ૫ અને સંભવતઃ ધો. ૮ સુધી શિક્ષણ આપવા માટે ઘરે બોલાતી ભાષા અથવા તો માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષાનું જ માધ્યમ રાખી શકાશે.
  • વિદ્યાર્થીના પ્રગતિપત્રમાં વિદ્યાર્થીની સર્વગ્રાહી અને સર્વતોમુખી પ્રગતિ દર્શાવવાની રહેશે
  • વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓના પરિણામ દર્શાવતું પ્રગતિપત્રક પણ દાખલ કરાશે
  • નેશનલ એસેસમેન્ટ સેન્ટર ઊભું કરાશે
  • શિક્ષકો માટે નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ (રાષ્ટ્રીય વ્યાવસાયિક ધારા-ધોરણો) લાગુ પડાશે

 

 

M.Philનો અભ્યાસક્રમ રદ કરી દેવાયો હવે માસ્ટર ડિગ્રી બાદ Ph.d કરી શકાશે
કેન્દ્ર સરકારે આજે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી હતી. છેલ્લા ૩૪ વર્ષથી ચાલી આવતી શિક્ષણ નીતિમાં મોદી સરકારે શાળાકીય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં અનેક મહત્વના ફેરફારો કર્યા છે. કોલેજ શિક્ષણમાં સરકારે વર્તમાન એમ.ફીલના સમગ્ર અભ્યાસક્રમને જ રદ કરી નાંખ્યો હતો, અર્થાત હવે કોલેજમાં ભણતો વિદ્યાર્થી તેની ડિગ્રીનું શિક્ષણ પૂરૂં કર્યા બાદમાં માસ્ટર ડિગ્રીનું શિક્ષણ પૂરું કરશે અને માસ્ટર ડિગ્રી હાંસલ કર્યા બાદ તે સીધો જ પીએચડીનો અભ્યાસક્રમ હાથ ધરી શકશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી બાદ ફરજિયાતપણે એમ.ફીલનો અભ્યાસક્રમ પૂરો કરવો પડતો હતો અને એમ.ફીલમાં પાસ થાય તો જ તે પીએચડીનો અભ્યાસક્રમ હાથ ધરી શકતો હતો, પરંતુ હવે સરકારે એમ.ફીલનો અવરોધ જ દૂર કરી નાંખીને કોલેજના વિદ્યાર્થીઓને ઘણી મોટી રાહત આપી છે.

ધોરણ-૫ સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવાનું રહેશે
કેન્દ્ર સરકારે આજે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી હતી જેમાં ૩૪ વર્ષથી ચાલી આવતી જરી-પૂરાણી હાલની શિક્ષણનીતિમાં અનેક મહત્ત્વના ફેરફારો કર્યા હતા.
નાની ઉંમરના વિદ્યાર્થીઓ માટે જે મહત્ત્વનો ફેરફાર કર્યો છે તે મુજબ હવેથી ધો.૫ સુધી અને સંભવતઃ ધો.૮ સુધી દેશની પ્રત્યેક શાળાએ વિદ્યાર્થીઓને તેઓની માતૃભાષામાં જ શિક્ષણ આપવાનું રહેશે. જો માતૃભાષામાં શક્ય ન હોય તો તેના ઘરમાં બોલાતી ભાષા અથવા તો પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાનું રહેશે, અર્થાત ધો.૫ સુધી વિદ્યાર્થીને તેની માતૃભાષા સિવાયની અન્ય કોઈ ભાષામાં શિક્ષણ લેવાનું રહેશે નહીં. બીજા શબ્દોમાં એમ જરૂર કહી શકાય કે સરકારે અંગ્રેજી માધ્યમનો સીધે સીધો છેદ ઉડાડી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી ઈંગ્લિશ મીડિયમની શાળાઓનો જે રાફડો ફાટ્યો છે અને આ શાળા દ્વારા વાલીઓ પાસેથી લેવાતી ઊંચી ફીના દૂષણને નાબૂદ કરવાના પરોક્ષ પ્રયાસ તરીકે સરકારે પ્રાથમિક શિક્ષણને માતૃભાષામાં આપવાનો નિર્ણય લીધો હોય તેમ લાગે છે.